મિઝોરમ : મિઝોરમના આઈઝોલ જિલ્લામાં એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં ત્યાં હાજર 26 મજૂરોમાંથી 23 ના મોત થયાની આશંકા છે. જોકે પોલીસે અત્યાર સુધીમાં 18 મૃતદેહ બહાર કાઢ્યા છે. વહિવટી તંત્રના અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર ત્યાં કામ કરતા ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. જ્યારે પાંચ લોકોની હજુ કોઈ ભાળ મળી નથી. તમામ 26 મજૂરો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના વતની હતા.
બ્રિજ તૂટી પડ્યો : રેલવે વિભાગના જણાવ્યા અનુસાર બુધવારના રોજ આ દુર્ઘટના બની હતી. કુરુંગ નદી પર બનાવવામાં આવી રહેલા પુલના નિર્માણ માટે સ્થાપિત ગેન્ટ્રી જે એક ભારે સ્ટ્રક્ચરને વહન કરતી ક્રેન જેવી રચના હોય છે, તેના તૂટી જવાને કારણે દુર્ઘટના બની હતી. ભૈરવી-સાયરાંગ નવા રેલવે લાઇન પ્રોજેકટ હેઠળ બાંધવામાં આવનાર 130 પુલ પૈકીનો એક અન્ડર કન્સ્ટ્રક્શન બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનાની તપાસ કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે.
18 મૃતદેહોની ઓળખ : આ દુર્ઘટનામાં 23 લોકોના મૃત્યુ થયાની આશંકા છે. જેમાં તમામ 18 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. તેમની ઓળખ નબ ચૌધરી, મોઝમ્મેલ હક, નરીમ રહેમાન, રણજીત સરકાર, કાશિમ શેખ, સમરુલ હક, ઝલ્લુ સરકાર, સાકિરુલ શેખ, મસરેકુલ હક, સૈદુર રહેમાન, રહીમ શેખ, સુમન સરકાર, સરીફુલ શેખ, ઈન્સારુલ હક, જયંત સરકાર,મોહમ્મદ ઝાહિદુલ શેખ, મનિરુલ નાદપ અને સેબુલ મિયા તરીકે થઈ છે.
5 મજૂર લાપતા : એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પાંચ મજૂરો હજુ પણ ગુમ છે. પરંતુ તેમના બચવાની શક્યતા ઓછી છે. ગુમ થયેલા પાંચ મજૂરોની ઓળખ મુઝફ્ફર અલી, સાહિન અખ્તર, નુરુલ હક, સેનૌલ અને આસિમ અલી તરીકે થઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કોલકાતામાં કહ્યું કે, મજૂરોના મૃતદેહોને રાજ્યમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.