અમદાવાદ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 56મા પ્રદેશ અધિવેશનો અમદાવાદ મહાનગર ખાતે આજથી પ્રારંભ થયો છે. આ ત્રણ દિવસીય અધિવેશન નવનિર્માણ આંદોલનની થીમ પર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 1,500 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિ સહભાગી થશે અને શિક્ષણમાં થઈ સમસ્યા અને સુધારા પર વિચારણા કરવામાં આવશે.
ABVP 56 મું અધિવેશન : ABVP ના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય મીત ભાવસાર દ્વારા જણાવવામાં આવ્યું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 56મું અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે યોજાઈ રહ્યું છે. દર વખતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં થતું હોય છે, આ વર્ષે કર્ણાવતીને સૌભાગ્ય મળ્યું છે. કર્ણાવતી મહાનગર ખાતે યોજાનાર પ્રદેશ અધિવેશનમાં ગુજરાતભરના જિલ્લામાંથી કુલ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થવાના છે.
આ ત્રણ દિવસમાં નક્કી થશે વર્ષભરની દિશા : મીત ભાવસારે વધુમાં જણાવ્યું કે, આ અધિવેશનનો મુખ્ય હેતુ, શિક્ષણ સમાજમાં કેવી રીતે બદલાવ લાવી શકાય ? કેવી રીતે શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવી શકાય ? વિદ્યાર્થી હિત માટે વધારેને વધારે કાર્ય કેવી રીતે કરી શકાય ? ભારતીય વિદ્યાર્થી પરિષદની વર્ષભરની દિશા આ અધિવેશનમાં નક્કી થતી હોય છે.
શિષ્યવૃત્તિ અને વિદ્યાર્થી સંઘની ચૂંટણીના મુદ્દા : શિષ્યવૃત્તિ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી બંધ થવાનો મુદ્દો હોય કે પછી સામાજિક કુટુંબ માટે પણ પ્રસ્તાવ અધિવેશનમાં મૂકવામાં આવશે. આ તમામ પ્રસ્તાવને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવશે અને તેમાં સુધારા અને બદલાવ માટે તેમને અરજ અને વિનંતી કરવામાં આવશે. વિદ્યાર્થીઓના સહયોગ દ્વારા આગામી દિવસોમાં વિદ્યાર્થી પરિષદ તે દિશામાં કાર્ય કરશે.
અતિથિ વિશેષ લોકપ્રસિદ્ધ સાંઈરામ દવે : આજરોજ 7 જાન્યુઆરીના આ અધિવેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ધનરાજ નથવાણી (યુવા ઉદ્યોગપતિ, રિલાયન્સ ગ્રુપ), અતિથિ વિશેષ તરીકે લોકપ્રસિદ્ધ સાંઈરામ દવે અને ABVP રાષ્ટ્રીય મહામંત્રી વિરેન્દ્રસિંહ સોલંકી સહિત ABVP કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છાત્ર શક્તિની શોભાયાત્રા નીકળશે : છાત્ર શક્તિની વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન 8 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ શોભાયાત્રાને વિવિધ સામાજિક સંગઠનો અને સર્વ સમાજના લોકો દ્વારા તેનું સ્વાગત અને અભિવાદન પણ કરવામાં આવશે. આ શોભાયાત્રા AES ગ્રાઉન્ડ બોડકદેવથી નીકળીને ડ્રાઇવિંગ રોડ થઈ વસ્ત્રાપુર શહીદ ચોક ખાતે એક વિશાળ જાહેર સભાના સ્વરૂપમાં સમાપ્ત થશે.
વિવિધ પરિસ્થિતિ પર ચર્ચા થશે : આ જાહેર સભામાં અલગ અલગ છાત્ર નેતાઓ શિક્ષણમાં પડતી સમસ્યાઓ તથા સમાજની વિવિધ પરિસ્થિતિ પર ભાષણ આપશે. આ અધિવેશનમાં કર્ણાવતી મહાનગરના વિવિધ કોલેજ કેમ્પસમાંથી કલા ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા કલાકૃતિ પણ પ્રસ્તુત કરવામાં આવશે.