- આંધ્રપ્રદેશના રાજાહમુંદ્રીમાં બની સમાજના તાણાવાણાં હચમચાવતી ઘટના
- જૂનિયર કોલેજના સગીર વિદ્યાર્થીએ સહપાઠી સાથે વર્ગખંડમાં કર્યાં લગ્ન
- સોશિઅલ મીડિયામાં વાઈરલ થયો વિડીયો
પૂર્વ ગોદાવરીઃ દેશની સરકારની એવી હિલચાલ છે કે લગ્નની વય વધારવી. આ હિલચાલને અંદરથી હચમચાવીને વિચારતાં કરી મૂકે તેવી ઘટના વાઈરલ વીડિયો સ્વરુપે સામે આવી છે. વાત છે આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના રાજાહમુંદ્રીની એક જૂનિયર કૉલેજમાં સગીર વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં લગ્ન કર્યાં છે. હા, આ કોઇ ફિલ્મની પટકથાની વાત નથી, વાસ્તવિકતા છે. લગ્ન કરનાર બન્ને વિદ્યાર્થી સગીર હોવાથી મામલો ખૂબ જ વિવાદાસ્પદ બની ગયો છે. રાજાહમુદ્રી ગવર્મેન્ટ જૂનિયર કૉલેજમાં આ ઘટના બની છે. આ લગ્નનો વીડિયો વાઈરલ થયો છે. બન્ને વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં લગ્ન કર્યાં તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું છે. આ વીડિયો સોશિઅલ મીડિયામાં વાઈરલ થઇ ગયો છે.
પ્રિન્સિપાલે સર્ટિ પકડાવી ઘરભેગાં કરી દીધાં
સગીર કન્યા અને સગીર વરરાજા બન્ને ઇન્ટર મીડિયેટમાં અભ્યાસ કરે છે. તેમણે વર્ગખંડમાં કરેલાં લગ્નએ યુવાવર્ગમાં સનસનાટી મચાવી દીધી છે. બન્ને વિદ્યાર્થીઓએ કરેલું આ કામ કૉલેજના પ્રિન્સિપલના ધ્યાનમાં પણ આવ્યું હતું અને બન્ને સગીર નવપરિણીત વિદ્યાર્થીઓને સર્ટિ પકડાવી ઘેર મોકલી દીધાં છે. તો આ ઘટનાની ચકચાર મચતાં બન્ને સગીરના માતા-પિતા પણ હેબતાઈ ગયાં છે અને સ્તબ્ધ બની ગયાં છે.
બન્ને વિદ્યાર્થીઓના વાલીઓ પણ આઘાતની સ્થિતિમાં સ્તબ્ધ બન્યાં
સ્થાનિક માધ્યમોમાં આવેલાં અહેવાલોમાં જણાવાયું છે કે, આ ઘટના ગત મહિનાની 17 તારીખની છે જ્યારે રાજાહમુંદ્રી ગવર્નમેન્ટ જૂનિયર કૉલેજમાં સેકેન્ડરી એમપીસીમાં ભણતાં વિદ્યાર્થીઓએ ક્લાસરુમને જ લગ્નનો માંડવો અને ચોરી બનાવી દીધી હતી અને વીડિયોમાં દેખાય છે તેમ તેમના સહપાઠી મિત્ર બન્નેની લગ્નગાંઠ બાંધી આપી હતી. પ્રિન્સિપાલે બન્નેને સર્ટિ પકડાવી દેતાં મામલો શાંત પડી જશે તેવી ધારણા પણ ખોટી પડી. કારણ કે, તેનો વીડિયો વાઈરલ થઈ ગયો છે. પોતાના બાળકોના આવા અવિચારી કૃત્યથી એમનાં વાલીઓ પણ આઘાત અનુભવી રહ્યાં છે. આખી ઘટનાની પૂરી વિગતો બહાર આવવાની રાહ જોવામાં આવી રહી છે કે વર્ગખંડમાં લગ્નનો આ વીડિયો ફક્ત મજાક કરવા ખાતર બનાવાયો છે કે, સાચે જ તેઓ ગંભીરતાથી લગ્નગ્રંથિમાં જોડાયાં છે તે તપાસનો વિષય છે.