- મહારાષ્ટ્રમાં શાસક શિવસેનાને પરોક્ષ રીતે ધમકી
- પાર્ટીની "એક પછી એક" બાબતો બહાર લાવીશ : રાણે
- હું જાણું છું કે કોણે ભાઈની પત્ની પર એસિડ ફેંકવાનું કહ્યું : રાણે
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નારાયણ રાણેએ શુક્રવારે મહારાષ્ટ્રમાં શાસક શિવસેનાને પરોક્ષ રીતે ધમકી આપતા કહ્યું કે, તેઓ પાર્ટી (શિવસેના) અને તેના નેતાઓ વિશે ઘણું બધું જાણે છે અને "એક પછી એક" બાબતો બહાર લાવશે. રાણેએ કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે, તે જાણે છે કે કોણે કોને કહ્યું હતું કે, કોણે ભાઈની પત્ની પર એસિડ ફેંકવાનું કહ્યું. રાણે તેમની જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે રત્નાગીરી જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
કોઈનું નામ લીધા વગર રાણેના પ્રહારો
રાણેએ આ સપ્તાહની શરૂઆતમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેનાથી વિવાદ સર્જાયો હતો. આ મામલે રાણેની પણ ધરપકડ કરવામાં આવી હતી અને થોડા કલાકો બાદ તેને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
"જો તે પાછા આવશે, તો તે પાછો નહીં જાય" : રાણે
રાણેએ કહ્યું કે, મેં તેમની સાથે 39 વર્ષ સુધી કામ કર્યું છે, હું ઘણી વસ્તુઓ જાણું છું. હું જાણું છું કે કોણે ભાઈની પત્ની પર એસિડ ફેંકવાનું કહ્યું. આ કેવા પ્રકારના સંસ્કાર છે ? શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા રાણેએ કહ્યું કે, કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરીને કોઈને શું મળ્યું ? હું એક પછી એક બાબતો સામે લાવીશ. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાણેએ કહ્યું કે, એક સેના (શિવસેના) ના કાર્યકર વરુણ સરદેસાઈ - મારા ઘરની બહાર (મુંબઈમાં) આવ્યા હતા અને મને ધમકી આપી હતી. જો તે આગળ પણ આવશે, તો તે પાછો નહીં જાય.
યુવા સેનાના કાર્યકરો સામે રાણેની ટિપ્પણી
સરદેસાઈ શિવસેનાની યુવા પાંખની યુવા સેનાના નેતા છે. યુવા સેનાના કાર્યકરોએ રાણેની ટિપ્પણીને લઈને મંગળવારે મુંબઈમાં રાણેના બંગલાની બહાર વિરોધ કર્યો હતો. રાણેએ શિવસેનાના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1999 માં રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા. જો કે, 2005 માં તેમને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના કારણે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 2017 સુધી ત્યાં રહ્યા, બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.