નવી દિલ્હી: ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને કતારની સ્થાનિક અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી છે, જેને ભારતે ખૂબ જ ચોંકાવનારો નિર્ણય ગણાવ્યો છે. આ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ અલ દહરા કંપનીના કર્મચારીઓ છે, જેમને ગયા વર્ષે ઓગસ્ટમાં જાસૂસીના કથિત કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કતારી સત્તાવાળાઓ દ્વારા ભારતીય નાગરિકો પરના આરોપો જાહેર કરવામાં આવ્યા ન હતા.
સામે આવેલી માહિતી અનુસાર કતારની અદાલત દ્વારા આઠ ભારતીય નાગરિકોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર, ભારતે ગુરુવારે કહ્યું કે તે આ નિર્ણયથી ખૂબ જ આઘાતમાં છે અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનો ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, "અમને શરૂઆતમાં માહિતી મળી હતી કે 'કતારની ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોર્ટ' એ આજે અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓ સાથે સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે.
મંત્રાલયે કહ્યું, "અમે મૃત્યુદંડ લાદવાના નિર્ણયથી અત્યંત આઘાતમાં છીએ અને ચુકાદાની વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ. અમે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ."