ઈમ્ફાલઃ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં મંગળવાર સવારે અજ્ઞાત લોકોએ ગોળી મારીને 3 નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એક સરકારી અધિકારીએ આ જાણકારી આપી છે. ઈરેંગ અને કરમ વૈફેઈ વિસ્તારની વચ્ચે આ 3 નાગરિકોની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. આ હીચકારી હુમલો સવારે 8.20 કલાકે કરવામાં આવ્યો હતો. આ સિવાય વધુ વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી.
'મન કી બાત'માં મણિપુર હિંસાના ઉલ્લેખની માંગણીઃ મણિપુરના ઈમ્ફાલમાં રવિવારે સ્થાનિકો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં એસ. બિરેન સરકાર મણિપુરમાં શાંતિ અને કાયદા વ્યવસ્થા સ્થાપવા માંગણી કરાઈ હતી. પશ્ચિમ જિલ્લામાં સંગાઈપ્રોઉ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન લોકોએ સરકાર નિષ્ક્રિય હોવાના આક્ષેપ કર્યા હતા. 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી મણિપુર હિંસા મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કરે તેવી પણ માંગણી કરાઈ છે.
8 સપ્ટેમ્બરે 3 લોકો મર્યા હતાઃ 8 સપ્ટેમ્બર તેંગનૌપાલ જિલ્લામાં થયેલ હિંસાના બનાવ બાદ આજે મંગળવારે આ ગોળીબારની ઘટના ઘટી છે. 8 સપ્ટેમ્બરની ઘટનામાં પણ 3 લોકોના મૃત્યુ અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. મણિપુરની હિંસામાં અત્યાર સુધી કુલ 160થી વધુ લોકોના મોત થયા છે. તેમજ સેંકડોની સંખ્યામાં નાગરિકો ઘાયલ થયા છે.
'આદિવાસી એકજુટતા માર્ચ' કાર્યક્રમ બાદ હિંસા ભડકીઃ બહુમતી ધરાવતા મૈતેઈ સમુદાય દ્વારા અનુસુચિત જનજાતિમાં સમાવવાની માંગણીના વિરોધમાં પહાડી વિસ્તારના જિલ્લામાં 3 મેના રોજ 'આદિવાસી એકજુટતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી હિંસાનો સીલસીલો યથાવત છે. જાણકારી અનુસાર મણિપુરની જનસંખ્યામાં મૈતેઈ લોકોની સંખ્યા 53 ટકા છે જે ઈમ્ફાલ ખીણમાં વસવાટ કરે છે. જ્યારે નાગા અને કુકી સહિતના આદિવાસીઓ 40 ટકા છે જે મોટાભાગે પહાડી વિસ્તારોમાં વસવાટ કરે છે.