નવી દિલ્હીઃ મણિપુર સરકારે સુપ્રીમ કોર્ટમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી પોલીસ અને વિવિધ સિક્યુરિટી એજન્સી દ્વારા જપ્ત કરાયેલા હથિયારોનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં સોલિસિટીર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, આ માત્ર ન્યાયાધિશો માટે છે. આ કેસની સુનાવણી સીજેઆઈ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ થઈ હતી.
સોલિસિટર જનરલની દલીલઃ તુષાર મહેતાએ એક એફિડેવિટ વિશે બેન્ચને માહિતગાર કર્યા. આ એફિડેવિટમાં હિંસાત્કમ ઘટનાઓના પીડિતોને મળતી રાહત અને તેમના પુનર્વસન પર નિરીક્ષણની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે જે દલીલો થઈ રહી છે તેની જાણ સુપ્રીમ કોર્ટને કરવામાં આવી છે.
અરજીકર્તાની દલીલઃ અરજીકર્તા તરફતી વૃંદા ગ્રોવરે બેન્ચને જણાવ્યું કે, મે મહિનામાં બે મહિલાઓ પર સામુહિક બળાત્કાર બાદ હત્યા કરી દેવાઈ હતી. આ બંને મહિલાઓના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા નથી. તુષાર મહેતાએ આ ઘટનાની જાણકારી સુપ્રીમ કોર્ટને આપી હોવાનું કહ્યું અને તેની તપાસના આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યાનું જણાવ્યું છે.
શા માટે હથિયારોનો રિપોર્ટ મંગાયોઃ બેન્ચે આજની સુનાવણી સંપૂર્ણપણે ધ્યાને લીધા બાદ આગામી સુનાવણી 25મી તારીખે કરવાનો આદેશ કર્યો છે. 6 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે મણિપુર સરકાર પાસેથી હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી પોલીસ અને વિવિધ એજન્સીઓએ જપ્ત કરેલા હથિયારની માહિતીનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશ કરવા પાછળનું કારણ વિશેષ છે. જેમાં કોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે તોફાની તત્વો દ્વારા પોલીસ અને સેનાના ડેપોમાંથી હથિયારોની લૂંટ ચલાવવામાં આવી હતી. આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને જપ્ત કરેલા હથિયારોનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.