- વર્ષ 2021માં યોજાશે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી
- મમતા બેનર્જીએ કર્યો ભાજપને પડકાર
- અમિત શાહે કહ્યું 'ભાજપ બંગાળમાં સરકાર બનાવશે'
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં દરેક રાજકીય પાર્ટી તેની પુરી તાકાત કામે લગાડી રહી છે. રાજ્યના સીએમ મમતા બેનર્જી આજે બીરભૂમના બોલપુર પહોંચ્યા હતા. તેમણે ભાજપના 'સોનાર બાંગ્લા' સૂત્ર પર પ્રહાર કર્યા હતા.
બીરભૂમ જિલ્લાના બોલપુર પહોંચેલા રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ અહીં તેમના સમર્થકો સાથે પગપાળા કૂચ કરી હતી. બોલપુર રેલીમાં ભાજપ પર પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે, જે લોકો મહાત્મા ગાંધી અને દેશના અન્ય મહાપુરૂષોનું સન્માન નથી કરતા તેઓ 'સોનાર બાંગ્લા' બનાવવાની વાત કરે છે.
રાજકીય પક્ષો કરી રહ્યાં છે પોતાનું શક્તિપ્રદર્શન
આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત કામે લગાવી રહ્યાં છે. 20 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના નેતાઓએ બીરભૂમ જિલ્લાના બોલપુર વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો.
બંગાળ ચૂંટણીને લઈને અમિત શાહનો દાવો
ઉલ્લેખનીય છે કે, બોલપુરમાં સ્ટેડિયમ રોડ પર હનુમાન મંદિરથી બોલપુર સર્કલ સુધીના અમિત શાહના રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. અમિત શાહે કહ્યું હતું કે, 'અમે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 200થી વધુ બેઠક જીતીશું અને બંગાળમાં સરકાર બનાવીશું. આપને જણાવી દઈએ કે, બંગાળમાં મમતા બેનર્જીની આગેવાનીવાળી રાજ્ય સરકારના ગેરવહીવટ સામે અવાજ ઉઠાવીને ઘણા નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.
TMCએ ભાજપને બાહરના ગણાવ્યા તેના જવાબમાં ભાજપે કહ્યું કે, જો ભાજપ સત્તામાં આવશે તો રાજ્યનો મુખ્યપ્રધાન પણ બંગાળી જ હશે.