- પંજાબના નવા મુખ્યપ્રધાનને લઈને વિવાદ શરૂ
- રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે આપ્યું નિવેદન
- ચરણજીતસિંહ ચન્ની મહિલા સુરક્ષા માટે ખતરો હોવાનું જણાવ્યું
નવી દિલ્હી: ચરણજીતસિંહ ચન્નીએ આજે સોમવારે પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. જોકે, તેઓ શપથ લે તે પહેલા જ તેમના વિરૂદ્ધ મહિલા IAS દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ આ મુદ્દાને લઈને કોંગ્રેસ અને ચન્ની પર નિશાનો સાધ્યો હતો.
તપાસ કરવા પણ કરી માગ
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, એક મહિલાના નેતૃત્વવાળી પાર્ટીએ તેને (ચરણજીતસિંહ ચન્નીને) પંજાબના મુખ્યપ્રધાન બનાવ્યા છે. આ વિશ્વાસઘાત છે. તે મહિલા સુરક્ષા માટે ખતરો છે. તેમના વિરૂદ્ધ તપાસ થવી જોઈએ, તે CM બનવાને પણ લાયક નથી.
#MeToo આંદોલન દરમિયાન લગાવાયા હતા આરોપો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "હું સોનિયા ગાંધીને ચરણજીતસિંહ ચન્નીને મુખ્યપ્રધાન પદેથી હટાવવા માટે આગ્રહ કરું છું." રેખા શર્માના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2018માં #MeToo આંદોલન દરમિયાન ચરણજીતસિંહ ચન્ની વિરૂદ્ધ આરોપો લગાવવામાં આવ્યા હતા. રાજ્ય મહિલા આયોગે પણ તેની નોંધ લીધી હતી અને તે સમયે તેમને પદ પરથી હટાવવા માટે ધરણા પ્રદર્શન પણ યોજ્યા હતા, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું.