ન્યૂઝ ડેસ્ક : અર્થતંત્રને બેઠું કરવા માટે 13 મે, 2020ના રોજ ભારત સરકારે 'આત્મ નિર્ભર પેકેજ’ની જાહેરાત કરી હતી. તે માટે જંગી 20 લાખ કરોડનો આંકડો જાહેર કરાયો હતો. મૂળભૂત રીતે તેમાં સીધી સહાયના બદલે ધિરાણ આપવાની, સહેલાઈથી લોન આપવાની વાત વધારે હતી. MSMEને તથા ફેરિયાઓને બેન્કો લોન આપે અને તેને માટે ગેરન્ટી સરકાર આપે તેવો મૂળ વિચાર હતો.
બીજી બાજુ કૃષિ, ઉદ્યોગો અને વ્યાપાર સરળતા માટે કેટલાક સુધારાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે માળકાખીય સુવિધાઓ ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારી એકમોમાં કામ કરતા હોય તે ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પણ કામકાજ માટેની વધારે છૂટછાટો આપવામાં આવી.
લૉકડાઉન પૂરું થયા પછી ધીમે ધીમે અર્થતંત્રમાં સુધારો દેખાવા લાગ્યો હતો, પરંતુ તે સુધારો ફરીથી ધોવાઈ ગયો છે. આર્થિક સહાયના પેકેજની કોઈ અસર દેખાઈ તે પહેલાં જ અર્થતંત્રને બીજો મોટો ફટકો પડ્યો છે. દેશમાં ચેપના ફેલાવાની બીજી લહેર વધારે જોખમી અને આકરી સાબિત થઈ છે. મોટા પાયે લોકોના મોત થયા અને સારવારના અભાવે લોકોમાં હારાકાર મચી ગયો.
1952 પછી દેશના અર્થતંત્રમાં સૌથી મોટો ઘટાડો થયો છે. દુનિયાભરના નિષ્ણાતોએ હવે નવેસરથી અંદાજો મૂકીને અર્થતંત્રને આ નાણાકીય વર્ષમાં વધારે નુકસાન થશે તેમ જણાવ્યું છે. S&P ગ્લૉબલ રેટિંગ્ઝે અગાઉ 11 ટકાની વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો, તે ઘટાડીને 9.8નો મૂક્યો છે. ફિચ સૉલ્યૂશન્સના અંદાજ પ્રમાણે પણ ભારતનું અર્થતંત્ર 9.5%ના દરે વધશે, જે બ્લૂમબર્ગના સાર્વત્રિક 11 ટકાના અંદાજથી ઘણો નીચો છે. બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે અને બચતનું પ્રમાણ ઘટી રહ્યું છે તેના કારણે અંદાજો નીચે કરવામાં આવ્યા છે.
બીજી લહેર ક્યાં સુધી ફટકો મારતી રહેશે તે હજી જોવાનું બાકી છે, ત્યારે આગામી મહિનાઓમાં ત્રીજી લહેર પણ આવશે તેની ચિંતા પણ સતાવા લાગી છે. આના કારણે આજે ભારત આઝાદી પછીના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સૌથી હતાશાજનક બાબત એ છે કે એક વર્ષ પહેલાં હતા તે જ સ્થિતિમાં પાછા મૂકાઈ ગયા છે. તેના કારણે એક વર્ષ પછી ફરી એકવાર આર્થિક સહાય માટેના રાહત પેકેજની માગણી થવા લાગશે.
આ સંદર્ભમાં આપણે ‘આત્મ નિર્ભર ભારત’ના જે દાવા કર્યા હતા તેના વિશે નવેસરથી વિચારણા કરવી પડશે. અત્યારે ભારત સામે જે મુશ્કેલીઓ છે તેનું નિવારણ પહેલાં કરવું પડશે. આત્મ નિર્ભર પેકેજ જાહેર કરાયું હતું, પણ તેમાં નકરી લોન આપવાની જ વાતો પર વધુ ધ્યાન અપાયું હતું. એકમોને કાયમી ખર્ચા હોય તેમાં રાહત થાય તે રીતે સીધી સહાય કે સબસિડી આપવાની જોગવાઈ જ કરવામાં આવી નહોતી.
કોઈ પણ ઉદ્યોગ કે વેપારમાં ત્યારે જ લોન લેવાનો વિચાર કરવામાં આવે જ્યારે ધંધો સારી રીતે ચાલી રહ્યો હોય. ધંધાર્થીઓને વિશ્વાસ હોવો જોઈએ કે નજીકના ભવિષ્યમાં વેપાર વધશે અને નફો મળશે. કમસે કમ વ્યાજ જેટલું વળતર તો મળવું જ પડે, પરંતુ અત્યારે દેશની અર્થ વ્યવસ્થાનું શું થશે તેની અનિશ્ચિતતા હોવાથી, ઉપભોક્તા વસ્તુઓની અને સેવાઓની માગ ઘટી છે. સ્થિતિ સુધરવાની આશાના અભાવમાં માગ ઓછી જ થવાની. આવા સંજોગોમાં સહાય આપવાની વાત હોય તો ખરેખર મુશ્કેલી ક્યાં છે તે સમજવું પડે અને તે પ્રમાણે જ નીતિ નક્કી કરવી પડે.
અર્થતંત્ર સામેના પડકારો
સૌથી પહેલો અને સૌથી મોટો પડકાર છે ગ્રાહકોમાં માગ નીકળે. અર્થતંત્રમાં વસ્તુઓની માગમાં ઘટાડો થાય તેના કારણે ઉત્પાદન ઘટે, ઉત્પાદન ઘટે એટલે બેરોજગારી વધે. મોટા ભાગના રાજ્યોમાં કોરોનાને કારણે કોઈ ને કોઈ પ્રતિબંધો લાગેલા છે, ત્યારે ગ્રાહકો બહાર નીકળે નહીં. માગ ઘટે એટલે ઉત્પાદનમાં મોટો ઘટાડો અને બેકારીમાં મોટો વધારો.
બીજો પડકાર છે મહામારીને કારણે લોકોની આવકમાં ઊભી થયેલી અસમાનતાનો. બીમારીમાં ફસાયેલા કુટુંબો આવક ગુમાવે અને ખર્ચો થાય, તેનાથી આવકની અસમાનતા વધે. રોગચાળામાં સમાજના જુદા જુદા વર્ગને આની જુદી જુદી અસર થાય છે. કેટલાકની આવક સાવ બંધ થઈ જાય, કેટલાકની વધી જાય. નોકરી જાય ત્યારે આવક બંધ થાય અને બચત પણ વપરાવા લાગે. સામે બાજુ કેટલાક ક્ષેત્રોમાં જોરદાર તેજી આવે. પ્રથમ વૅવમાં આપણે આવું જોયું હતું અને બીજા વૅવમાં પણ લગભગ તેના જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
ત્રીજો પડકાર છે ગ્રામીણ વિસ્તારમાં આવકો સ્થિર થઈ ગઈ છે અને ત્યાંથી માગમાં કોઈ વધારો થઈ રહ્યો નથી. ભારતના ઔદ્યોગિક વિકાસમાં જરૂરી છે કે ગ્રામીણ વિસ્તારમાં માગ ઊભી થાય. ખાસ કરીને લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ગ્રામીણ માગ જરૂરી છે, કેમ કે આજે પણ દેશના અર્થતંત્રનો મોટો હિસ્સો તે છે. કૃષિ અને MSME સેક્ટર પર જ દેશની 80 ટકા પ્રજા નભે છે. તેને બેઠા કરવા જરૂરી છે.
નિરાકરણ:
અર્થતંત્રમાં માગ વધે તે માટે સૌથી જરૂરી છે કે મોટા પ્રમાણમાં સીધી રોકડ સહાય થાય. માત્ર લોન આપી દેવાની કામ થતું નથી. જાહેર સુવિધાના પ્રોજેક્ટ્સ વધારીને ખર્ચ વધારવો પડે કે જેથી ત્યાં લોકોને રોજગારી પણ મળે. ખેડૂતોને વાવણી માટે સીધી સહાય કરવી પડે. નાના વેપારીઓ અને MSMEને બાંધલો ખર્ચ આવે તેટલી સીધી સહાય કરવાનું પણ આ પ્રકારની સહાયમાં વિચારવું પડે.
આ ઉપરાંત મનરેગા માટે તથા કૃષિ ક્ષેત્ર માટે વધારે મોટી ફાળવણી કરવાની જરૂર છે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધશે તો ત્યાંથી માગ પણ ઊભી થશે. માગની પૂરી કરવા માટે લઘુ ઉદ્યોગોમાં કામકાજ વધશે તો ત્યાં પણ રોજગારી ઊભી થશે. આ ખાસ કરવાની જરૂર છે. આવક વચ્ચેની અસમાનતા દૂર કરવા માટે વેજ સબસિડી આપવા માટે વિચારવું પડે. હાલના કર્મચારીઓ અને નોકરીદાતા તથા નવી ભરતી માટે ચોક્કસ નીતિ તૈયાર કરવી પડે. આવી સહાય આપવામાં આવશે તો કોઈને નોકરી જશે નહીં, આવક સુનિશ્ચિત બનશે અને તેના કારણે અસમાનતા પણ ઓછી થશે.
ગરીબો અને વંચિતોને સીધી રોકડ સહાય પણ જરૂરી છે, કે જેથી તેઓ પોતાની રોજબરોજની જરૂરિયાતો પૂરી કરી શકે. તેનાથી ગ્રાહકોપયોગી વસ્તુઓની જ માગ વધશે. તેનાથી કૃષિ અને MSME સેક્ટર બંને ફરી બેઠા થશે.
આ રીતે અત્યારે જરૂરી છે કે આ તકલીફમાં રહેલા ક્ષેત્રોને સહાય કરવામાં આવે, જેથી અર્થતંત્ર ફરી બેઠું થાય. તેના કારણે નાણાકીય ખાધની સમસ્યા ઊભી થશે, પરંતુ તેની સામે લોકોને આજીવિકા મળશે અને પરિવારો ટકી જશે તે વધારે મોટો ફાયદો થશે. દેશને અત્યારે ટકી જવા માટે આધારની જરૂર છે. એક વાર ટકી જશું તો પછી આત્મ નિર્ભર બનવા માટે વિચારી શકીશું.
- ડૉ. મહેન્દ્ર બાબુ કુરુવા (બિઝનેસ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર, H.N.B. ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટી, ઉત્તરાખંડ)