મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની ધારણા છે અને સમારોહમાં હાજરી આપીને પરત ફરતા લોકો સાથે 'ગોધરા જેવી' ઘટના બની શકે છે. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહેલા 'કારસેવકો' પર ગુજરાતના ગોધરા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો અને કારસેવકો જે ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા તેને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા અને આ પછી રાજ્યભરમાં મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા હતા.
રામ મંદિર પર શું કહ્યું: ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે એવી સંભાવના છે કે સરકાર રામ મંદિરના ઉદ્ઘાટન માટે બસો અને ટ્રકમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે અને તેમની પરત ફરતાં 'ગોધરા જેવી' ઘટના બની શકે છે. લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જાન્યુઆરી 2024માં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે. ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ટીકા કરતા કહ્યું કે તેમની પાસે એવી સિદ્ધિઓ નથી કે જેને લોકો તેમના આદર્શ માની શકે, તેથી તેઓ સરદાર પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા દિગ્ગજ લોકોનો સહારો લઈ રહ્યા છે.
સરદારની પ્રતિમા અંગે શું કહ્યું: ઉદ્ધવે કહ્યું, 'હવે તેઓ (ભાજપ-આરએસએસ) મારા પિતા બાળ ઠાકરેના વારસા પર દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.' શિવસેના (યુબીટી)ના વડાએ દાવો કર્યો હતો કે ભાજપ અને આરએસએસની પોતાની કોઈ સિદ્ધિઓ નથી અને સરદાર પટેલની પ્રતિમા (182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ગુજરાત)નું કદ નહિ પરંતુ તેમની સિદ્ધિઓ મહત્વની છે. તેમણે કહ્યું કે આ લોકો (ભાજપ અને આરએસએસ) સરદાર પટેલ જેવી મહાનતા પ્રાપ્ત કરવાની નજીક પણ નથી.