- મહારાષ્ટ્રમાં ફરી મંદિરો ખૂલી શકે છે
- મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને આપ્યો સંકેત
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કરી તૈયારી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મંદિરો ફરીથી ખોલવાના સંકેત આપતાં કહ્યું હતું કે, દિવાળી બાદ ભીડથી બચવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક માનક સંચાલન પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે. એક વેબકાસ્ટમાં ઠાકરેએ કહ્યું હતું કે ધાર્મિક સ્થળોને ફરી ખોલવામાં ઉતાવળ નહીં કરવા બદલ તેમની ટીકા થઈ રહી છે.
ટીકાનો સામનો કરવા તૈયાર
તેમણે કહ્યું કે, જો આનાથી નાગરિકોના સ્વાસ્થ્ય અને સલામતી સુનિચ્છિત થાય, તો હું ટીકાઓનો સામનો કરવા તૈયાર છું. પૂજા સ્થળોએ ભીડ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કામ કરવામાં આવશે અને દિવાળી બાદ એક માનક સંચાલન પ્રક્રિયાનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. ઠાકરેએ કહ્યું કે, પૂજા સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. તેમણે લોકોને જાહેર સ્થળોએ ફટાકડા ફોડવાનું ટાળવાની અપીલ પણ કરી હતી.
કેન્દ્ર સરકાર વિકાસના પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કરી રહી છે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઇના કંજુરમાર્ગમાં જમીનની માલિકી હકને લઇને પોતાની સરકારના કડક વલણને વ્યક્ત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર શહેરમાં વિકાસના પ્રોજેક્ટને રોકવા પ્રયાસ કરી રહી છે. કંજુરમર્ગ સ્થિત તે જમીનમાં મેટ્રો કાર શેડ બનાવવાનું છે. ઠાકરેએ વેબકાસ્ટ દ્વારા કહ્યું કે 'મહારાષ્ટ્રને ધિક્કારનારા' લોકો દ્વારા દુષ્પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે રાજ્યને માદક પદાર્થોના કેન્દ્રનારૂપે રજૂ કરવા વલણ ધરાવે છે. તેમણે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને આરે કૉલોનીથી કંજુરમાર્ગ સ્થળાંતરિત કરવાના વિરોધ કરવામાટે ભાજપને આડે હાથ લીધું છે.