નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુરુવારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને માર્ચ-એપ્રિલમાં યોજાનારી લોકસભાની ચૂંટણી 'નિષ્કલંક' રીતે કરવા જણાવ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા અહીં મુખ્ય ચૂંટણી અધિકારીઓની કોન્ફરન્સને સંબોધતા કુમારે કહ્યું કે ચૂંટણીનો માર્ગ ફરજ અને સંકલ્પની યાત્રા છે. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહીને અનુરૂપ તમામ હિસ્સેદારોને બહેતર ચૂંટણીલક્ષી અનુભવ પ્રદાન કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બે દિવસીય કોન્ફરન્સ : ચૂંટણી આયોજન, ખર્ચની દેખરેખ, મતદાર યાદી, IT એપ્લિકેશન્સ, ડેટા મેનેજમેન્ટ અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (EVM) પર વિષયોની ચર્ચા સાથે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાંથી અનુભવો શીખવા માટે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્રા પાંડેએ કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ માટે છેલ્લા છ મહિનામાં વિવિધ કોન્ફરન્સ, વર્કશોપ, ટ્રેનિંગ, સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કવાયતના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે કોન્ફરન્સના તમામ સહભાગીઓને વિનંતી કરી ks તેમના વિચારો અને પડકારોને મુક્તપણે શેર કરે અને ચર્ચા કરે.
નવીન પ્રણાલીઓ વિશે રજૂઆતો : તાજેતરમાં જ્યાં ચૂંટણીઓ યોજાઈ હતી તેવા રાજ્યોના સીઈઓએ તેમના અનુભવો અને ચૂંટણી દરમિયાન અપનાવેલી નવીન પ્રણાલીઓ વિશે વિગતવાર રજૂઆતો કરી હતી. છેલ્લા કેટલાક સપ્તાહમાં ચંદીગઢ, અમદાવાદ, ગુવાહાટી, ચેન્નાઈ અને લખનૌમાં પાંચ પ્રાદેશિક પરિષદોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી 800 થી વધુ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ અધિકારીઓને અહીં IIIDEM ખાતે ચૂંટણી વ્યવસ્થાપન સંબંધિત વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. ઈન્ડિયન ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) એ ચૂંટણી પંચની પ્રશિક્ષણ શાખા છે.