અયોધ્યાઃ ધાર્મિક નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ જાન્યુઆરી 2024માં પ્રસ્તાવિત છે. જેની તડામાર તૈયારીઓ ટ્રસ્ટ તરફથી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સ્થળ પર લગભગ 10 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી : મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે, ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સાથે દેશના દરેક મંદિર અને દરેક ગામને જોડવાની યોજના છે. દેશનો કોઈ ખૂણો આ ઉત્સવથી અછૂત નહીં રહે. એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાનું હોર્ડિંગ ન લગાવવામાં આવ્યું હોય અને આ બાબતની ચર્ચા ન થઈ હોય. આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટે અયોધ્યામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં લોકોના આગમનને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાનને અપાયું આમંત્રણ : ચંપત રાયે જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધીના આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આગ્રહ કરવામાં આવ્યો છે કે જો વડાપ્રધાન આ કાર્યક્રમમાં ભાગ લેશે તો સમગ્ર વિશ્વમાં અયોધ્યાની પ્રતિષ્ઠા વધશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. પ્રાણ પ્રતિષ્ઠા આયોજક સમિતિ સમગ્ર કેમ્પસમાં એવી જગ્યા શોધી રહી છે, જ્યાં 10,000 ખુરશીઓ લગાવી શકાય. આ ઉપરાંત સમગ્ર કેમ્પસને સુઘડ અને સ્વચ્છ બનાવીને ભવ્ય કાર્યક્રમને પૂર્ણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઘટના વિશે આખી દુનિયા જાણશે. અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સમગ્ર વિશ્વના હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બનશે.