- રાજકોટના સરધાર ગામ ખાતે ભવ્ય સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
- અનુયાયીઓ તેમને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માને છે
- સહજાનંદ સ્વામીએ બતાવી સામાજીક પરિવર્તનની દિશા
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત સહિત વિશ્વભરમાં કરોડો લોકો સ્વામિનારાયણ સંપ્રદાય(Swaminarayan cult) સાથે જોડાયેલા છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના પ્રભુ સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીએ કરી હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તક વચનામૃતમાં કહેવામાં આવ્યું છે કે, "જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાંહી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા, મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી, અંતર્ધાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઊચ્ચરી .."વચનામૃતમાં કરેલા ઉલ્લેખ અનુસાર સહજાનંદ સ્વામીનો જન્મ ઉત્તરપ્રદેશના છપૈયા ગામના નિવાસી ધર્મદેવ અને ભક્તિના ઘરે થયો થયો. માતાપિતાએ તેમનું નામ ઘનશ્યામ પાડ્યું હતું. લગભગ પાંચ વર્ષની ઉંમરથી તેમણે પિતા પાસેથી વેદ, રામાયણ મહાભારત જેવા ધાર્મિક ગ્રંથોનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. માતા પિતાના અવસાન બાદ 11 વર્ષની વયે ઘનશ્યામે ગૃહત્યાગ કરીને ભારત ભ્રમણ શરુ કર્યું હતું. બદ્રી, કેદાર, જગન્નાથપુરી,રામેશ્વર, કન્યાકુમારી, નાસિક, ત્રંબક જેવા અનેક સ્થળે ભ્રમણ કરીને અંતે તેઓ ગુજરાત આવ્યા હતાં.
અનુયાયીઓ તેમને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માને છે
તેમના ગુજરાત ભ્રમણ દરમ્યાન તેમનો ભેટો રામાનંદ સ્વામી સાથે થયો હતો. આ મુલાકાત બાદ ઘનશ્યામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી વિ.સં. 1857ની કારતક સુદ પૂર્ણિમાના રોજ દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ તેમને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ બે નામ આપ્યા હતાં. એક વર્ષ બાદ જેતપુરખાતે સ્વામી રામાનંદે સહજાનંદને પોતાની ગાદી સોંપી હતી. ગુરુના સ્વધામ ગમન પછી સહજાનંદ સ્વામીએ પોતાનું અવતારી સ્વરૂપ લોકો સમક્ષ રજૂ કર્યુ. તેમણે પોતાના અનુયાયીઓને 'સ્વામિનારાયણ' મહામંત્ર આપ્યો. તેના ભજનથી લાખો લોકો તેમનાથી પ્રભાવિત થવા લાગ્યા ચારે તરફ ચમત્કારિક મહાપુરુષ તરીકે તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ હતી. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તેમને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માને છે.
સહજાનંદ સ્વામીએ બતાવી સામાજીક પરિવર્તનની દિશા
ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં સામાજીક પરિવર્તન લાવવામાં અતૂલ્ય ફાળો આપ્યો છે. તેમણે 500 વ્યક્તિઓની પસંદગી પરમહંસો તરીકે કરી અને આ પરમ હંસો ગુજરાતના ગામે ગામે ફર્યા. તેમણે લોકોને માનવતાના પાઠ ભણાવ્યા અને સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલી અનેક અંધશ્રદ્ધાઓ અને કુરીતિઓ સામે લોકોને જાગૃત કર્યાં. ધર્મના નામે ચાલતા અનેક ધતિંગ તેઓએ બંધ કરાવ્યા. તેઓએ અનેક લુંટારુઓના હૃદય પરિવર્તન કરીને તેમને સમાજમાં પાછા સ્થાપિત કર્યા. સહજાનંદ સ્વામીએ સમાજોત્થાન માટે વ્યસન મુક્તિ, સ્ત્રી કલ્યાણ અને યજ્ઞમાં અપાતી બલી પ્રથા સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તેમણે પોતાના શિષ્યોના માર્ગદર્શન માટે શિક્ષાપત્રી, વચનામૃત, ભક્તચિંતા મણી જેવા પુસ્તકો પણ આપ્યા. સહજાનંદ સ્વામીને કળા અને સ્થાપત્યમાં રૂચી હોવાથી તેઓએ અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેઓએ સૌથી પહેલું મંદિર અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું હતું જેમાં નરનારાયણ દેવની સ્થાપના કરવામાં આવી હતી.