ઉત્તરાખંડ: રાજ્યમાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને સ્થાનિક વિસ્તારોને હાઈવે સાથે જોડતા લિન્ક રોડ છે. ચમોલી જિલ્લામાં આજે સવારે ભૂસ્ખલનની ઘટના બની છે જેમાં ચમોલીના બદ્રીનાથ નેશનલ હાઈવે પર નંદપ્રયાગ અને છિંકા ખાતે ભૂસ્ખલન થયું હતું. જેને લીધે બદ્રીનાથ તરફ જવાનો અને પાછા આવવાનો રસ્તો બંધ છે.
ઉત્તરકાશીમાં ભૂસ્ખલનઃ ચારધામ યાત્રાના મહત્વના સ્થળ ગંગોત્રીની યાત્રાએ જતા મુસાફરો પણ ચિંતિત છે. ઉત્તરકાશીમાં ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભૂસ્ખલનના લીધે થયેલા કાટમાળને કારણે અવરોધિત છે. ઉત્તરકાશીમાં ભટવાડીથી લગભગ 500 મીટર આગળ ગંગોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલનનો કાટમાળ આવી ગયો છે. જેના કારણે સવારથી જ ગંગોત્રી તરફ આવતો વાહનવ્યવહાર અવરોધાયો છે. ગંગોત્રી ધામના દર્શન કરીને પરત જનારા શ્રધ્ધાળુઑ મોટી સંખ્યામાં આ રસ્તામાં ફસાયા છે
ચારધામ યાત્રામાં વારંવાર વિક્ષેપ: આ વર્ષે ચોમાસાના વરસાદને કારણે ચારધામ યાત્રાને ઘણી અસર થઈ છે. 22 એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રા માટે વરસાદ વિલન સાબિત થયો છે. ચોમાસા પહેલા ચારેય ધામોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. પરંતુ જ્યારથી ચોમાસાના વરસાદે યાત્રાના માર્ગો ખોરવવાનું શરૂ કર્યું છે, ત્યારથી ચારધામ યાત્રાનો રંગ પણ ફિક્કો પડવા લાગ્યો છે.
યાત્રાળુઓને મોટી સંખ્યામાં ન આવવા વિનંતી: ચોમાસા પહેલા રોજના 15 થી 20 હજાર શ્રદ્ધાળુઓ એકલા કેદારનાથ ધામ પહોંચતા હતા. વહીવટીતંત્રે યાત્રાળુઓને આટલી મોટી સંખ્યામાં ન આવવા વિનંતી કરવી પડી હતી. પરંતુ હવે ચોમાસાની સિઝનમાં દરરોજ સરેરાશ 4000 ભક્તો જ ચાર ધામમાં પહોંચી રહ્યા છે.