લખનઉઃ 23 ઓગસ્ટે ચંદ્ર પર ચંદ્રયાન-3નું લેન્ડિંગ થવાનું છે. આ સમયે ઉત્તર પ્રદેશની દરેક પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં બાળકોને તેનું સીધુ પ્રસારણ બતાવવામાં આવશે. જેના પરિણામે દરેક શાળા 23 ઓગસ્ટે સાંજે 5:15થી 6:15 સુધી ચાલુ રાખવાનો પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર શિક્ષણ વિભાગના સચિવ વિજય કિરણ આનંદ દ્વારા જાહેર કરાયો છે. વિજય કિરણ દ્વારા દરેક જિલ્લાના પ્રાથમિક શૈક્ષણિક અધિકારી અને આચાર્યોને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
ભારત માટે મહત્વનું સીમાચિન્હઃ પરિપત્રમાં ચંદ્રયાન-3ની સફળતાને ભારતની અવકાશયાત્રામાં મહત્વનું સીમાચિન્હ ગણવામાં આવી છે. ભારતીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ઈન્ડસ્ટ્રી માટે આ એક મહત્વની સફળતા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી થવાની તક દરેક વિદ્યાર્થીને મળવી જોઈએ. તેથી દરેક શાળામાં ચંદ્રયાન-3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જીવંત પ્રસારણ કરનારા માધ્યમોઃ વિજય આનંદના પરિપત્રમાં ભારત સરકારના સાક્ષરતા મિશન અને શિક્ષણ વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. જેમાં 23 ઓગસ્ટે સાંજે 5:15થી 6:15 સુધી ચંદ્રયાન-3 લેન્ડિંગનું લાઈવ પ્રસારણ ઈસરોની વેબસાઈટ, ઈસરોની યુટ્યૂબ ચેનલ અને ડીડી નેશનલ પર કરવામાં આવશે. ભારતના ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ ઉતરાણ ભારત માટે યાદગાર ક્ષણ છે. જે આપણા દેશના બાળકોમાં અવકાશ વિશે સંશોધન પ્રત્યે જિજ્ઞાસા અને જુસ્સો જગાડશે.
યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના અપાઈઃ આવા ભારતીય વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રની શક્તિનો ઉત્સવ આપણે ઉજવવાનો છે. ઉપરાંત આ ઘટના સંદર્ભે વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંદેશ પણ આપશે. દરેક શાળામાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકગણ પણ આ જીવંત પ્રસારણ નિહાળશે. ચંદ્રયાન-3ના ઉતરાણનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓ જોઈ શકે તે માટે દરેક પ્રકારની તૈયારીઓ કરવાની શાળા તેમજ શિક્ષકોને સૂચના અપાઈ છે.