કોઝિકોડ(કેરળ): કેરળ હાઈ કોર્ટે શુક્રવારે કેરળ રાજ્ય સરકારને નિપાહ વાયરસ સંદર્ભે નવી ગાઈડલાઈન રજૂ કરવા જણાવ્યું છે. ખાસ કરીન આ ગાઈડલાઈન શબરીમાલા યાત્રાળુઓ માટે હોવી જોઈએ જેથી નિપાહ વાયરસનું સંક્રમણ અટકાવી શકાય. હાઈ કોર્ટે ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડના કમિશ્નરને આરોગ્ય સચિવ સાથે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરવા જણાવ્યું છે.
દર મહિને પાંચ દિવસની પૂજાઃ દરેક મલયાલમ મહિનાની શરૂઆતના 5 દિવસ સુધી કેરળના પઠાનામઠિટ્ટામાં પૂજા ચાલતી હોય છે. આ મહિને રવિવારે યાત્રાળુઓ પૂજા કરવા આવવાના છે. રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે કોઝિકોડ જિલ્લાના ઉત્તરી વિસ્તારમાં નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. શુક્રવારે કોઝિકોડમાં નિપાહ વાયરસનું વધુ એક સંક્રમણ સામે આવ્યું હતું. નિપાહ વાયરસના કુલ 6 દર્દીઓ થયા છે. જેમાંથી બે દર્દીઓના મૃત્યુ થયા છે.
દરેક શૈક્ષણિક સંસ્થા બંધઃ નિપાહ વાયરસના સંક્રમણ સંદર્ભે કેરળના કોઝિકોડ જિલ્લાની દરેક એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ આવતા રવિવાર એટલે કે 24મી સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવાઈ છે.જેમાં શાળા-કોલેજો, ખાનગી શૈક્ષણિક સંસ્થા, ટ્યૂશન સેન્ટર્સનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા સમગ્ર અઠવાડિયા સુધી ઓનલાઈન એજ્યુકેશન સીસ્ટમ અપનાવવા પર ભાર મુકાયો છે.
7 નાગરિકો અન્ય જિલ્લાનાઃ કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જ જણાવે છે કે, સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા નાગરિકોની સંખ્યા 1,080 જેટલી થઈ છે. જેમાં આજે 130 નાગરિકોનો વધારો થયો છે. આ યાદીમાંથી 327 લોકો આરોગ્ય કર્મીઓ છે. નિપાહ વાયરસના દર્દીઓના સંપર્કમાં આવેલા હોય તેવા 29 લોકો કોઝિકોડ સિવાયના જિલ્લાના છે. જેમાંથી 22 માલાપુરમ, 1 વાયનાડ અને 3 કન્નુર જિલ્લાના નાગરિકો છે.
122 આરોગ્ય કર્મીઓની આરોગ્ય તપાસઃ અત્યંત જોખમી પરિસ્થિતિમાં હોય તેવા 175 સામાન્ય નાગરિકો છે અને 122 આરોગ્ય કર્મીઓ છે. 30 ઓગસ્ટના રોજ મૃત્યુ પામેલ દર્દીના સંપર્કમાં આવેલ નાગરિકોની સંખ્યા વધી શકે તેમ છે. સમગ્ર રાજ્યમાં નિપાહ વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 6 જેટલી થઈ છે.
દિવસમાં બે વખત રાજ્ય સરકારની બેઠકઃ 30 ઓગસ્ટે મૃત્યુ પામેલ દર્દીની અંત્યેષ્ટીમાં સામેલ 17 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોની હોસ્પિટલમાં નિપાહ વાયરસ સંક્રમણની પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. કોઝિકોડની દરેક હોસ્પિટલ રાજ્ય સરકાર સાથે દિવસમાં બે વખત બેઠક કરે છે અને નિપાહ વાયરસ સંક્રમણના તાજા આંકડા સરકારને પહોંચાડે છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર જિલ્લામાં ઈન્ફેક્શિયસ ડીસીઝ કન્ટ્રોલ પ્રોટોકોલ લાગુ કર્યો છે.