- કેરળ સરકારને હાશકારો કરાવે તેવા સમાચાર
- નિપાહ સંક્રમિત બાળકના સંપર્કમાં રહેલા લોકોનો આવ્યો નેગેટિવ રીપોર્ટ
- ઘનિષ્ઠ સંપર્કમાં રહેલાં 20 લોકોનો રીપોર્ટ નેગેટિવ આવ્યો
કોઝીકોડ (કેરળ): કેરળ સરકારને હાશકારો કરાવે તેવા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં નિપાહ વાયરસથી પીડિત અને મૃત્યુ પામેલા 12 વર્ષના છોકરાના નજીકના સંપર્કમાં રહેનારાં 20 વધુ લોકોના ટેસ્ટિંગના નમૂનાઓ નેગેટિવ આવ્યાં છે. 20 નમૂનાઓમાંથી 15 પૂના સંશોધન કેન્દ્રમાં અને અન્ય પાંચનું કોઝીકોડમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જણાવીએ કે અત્યાર સુધીમાં પરીક્ષણ કરાયેલા કુલ 30 લોકોમાં બધાંનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.
68 લોકો આઈસોલેશનમાં રખાયાં છે
હાલમાં 68 લોકો કોઝિકોડ મેડિકલ કોલેજમાં બનાવવામાં આવેલાં આઇસોલેશન યુનિટમાં છે. અહીંં તેઓને 42 દિવસ સુધી મોનિટર કરવામાં આવશે. કેરળના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું છે અને અને તેમની નિપાહ વાયરસને લઇને કોઈ અંતર્ગત સ્થિતિ નથી. જ્યોર્જે એ પણ કહ્યું કે આરોગ્ય વિભાગ નિપાહને લઇને પ્રાણીઓના નમૂના સંગ્રહમાં નિષ્ણાત હોય તેવી ટીમ સાથે સંકલન કરશે.
જ્યોર્જે કહ્યું કે "પશુપાલન વિભાગે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે અને બીજા જ દિવસે સ્રોતને શોધી કાઢીને પરીક્ષણ માટે નમૂનાઓ એકત્રિત કર્યા છે. ભોપાલથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ની એક ટીમ કેરળની મુલાકાત લેશે અને ચામાચીડિયાં અને અન્ય પ્રાણીઓના નમૂના એકત્રિત કરશે. "
આરોગ્ય ટીમે ઝડપી પગલાં લીધાં હતાં
આપને જણાવીએ કે રવિવારે વહેલી સવારે નિપાહ વાયરસથી પીડિત 12 વર્ષના બાળકનું મોત થયું હતું. નિપાહ વાયરસથી તેનું મોત નીપજ્યું હોવાના અહેવાલો મળ્યાં પછી તરત સ્થાનિક અધિકારીઓએ કોઝીકોડ અને આસપાસના વિસ્તારોમાં આ જીવલેણ વાયરસના વધુ ફેલાવો થયો હોવાની શક્યતા તપાસવા તૈયારીઓ કરી હતી. કોઝીકોડ જિલ્લામાં આરોગ્ય ચેતવણી જાહેર કરવામાં આવી હતી અને મૃતક બાળકના ઘરની આસપાસના ત્રણ કિલોમીટર જેટલા વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી હતી. ચાથમંગલમ પંચાયતનો પઝહૂર (વોર્ડ -9) સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો અને નજીકના વોર્ડ નાયર્કુઝ્ય, કુલીમાડ, પુથીયાદમ વોર્ડ પણ આંશિક રીતે બંધ કરાયાં હતાં. તો નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની ટીમે નિપાહ વાઇરસથી મૃત્યુ પામેલા 12 વર્ષના બાળકના ઘરની મુલાકાત લીધી હતી અને સંક્રમણના સ્ત્રોતને ઓળખવા માટે આસપાસના વિસ્તારમાંથી રામબુટન ફળોના નમૂના એકત્રિત કર્યા હતાં. ટીમે સંભાવના જતાવી હતી કે આ ફળોમાં ચામાચીડિયાંથી સંક્રમણ ફેલાઇ શકે છે.
આ પણ વાંચોઃ કેરળમાં કોરોના પછી નિપાહ વાઈરસે કર્યો પગપેસારો, જુઓ શું છે આ વાઈરસ અને તેના લક્ષણો?
આ પણ વાંચોઃ કેન્દ્રીય ટીમે નિપાહ વાઇરસથી મૃત્યુ પામેલા બાળકના પરિવારની લીધી મુલાકાત