કર્ણાટક : કર્ણાટક રાજ્યના માંડ્યામાં પિતાએ જ પોતાના બાળકોના જીવનનો અંત આણવાની ઘાતકી ઘટના બની હતી. માંડ્યામાં એક પિતાએ બે બાળકોની હથોડી વડે ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ઘટના ગતરાત્રે બની હતી અને આજે સવારે આ હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટના માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના તાલુકાના માલાગાલા ગામમાં બની હતી.
પિતાએ બે બાળકોની હત્યા કરી : હત્યારા પિતા શ્રીકાંતે તેના બે બાળકો આદિત્ય (3) અને અમૂલ્યા (4)ની હત્યા કરી હતી. બાળકોને લોહી તરબોળ સ્થિતિમાં મૃત્યુની સ્થિતિમાં મૂકીને શ્રીકાંતે તેની પત્ની લક્ષ્મી પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી લક્ષ્મીને મૈસૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે.
ઘટનાનું કારણ અકબંધ : શ્રીકાંતનો પરિવાર માલગાલા ગામમાં મજૂરી કરતો હતો. હત્યારો શ્રીકાંત કલાબુર્ગી જિલ્લાના જેવરગીનો મૂળ વતની હતો અને રોજગાર માટે માલાગાલા ગામમાં રહેતો હતો. બાળકોની હત્યા કર્યા બાદ શ્રીકાંત ત્યાંથી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળની મુલાકાત લઇ વધુ તપાસ હાથ ધરી હતી.આ મામલામાં શ્રીરંગપટના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાનું કારણ જાણી શકાયું નથી.
હુનસુરમાં ડબલ મર્ડર : બીજી તરફ, મૈસૂર જિલ્લાના હુનસુર શહેરમાં એક લાકડાની મિલમાં અડધી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. મિલમાં કામ કરતા બે લોકોના મોત થયા હતાં. જેમાં મિલ ચોકીદાર વેંકટેશ (75) અને અન્ય એક કામદાર સન્મુખ (65) માર્યા ગયાં હતાં. બંને મિલમાં જ રહેતા હતા. રોજ સવારે વહેલા ઉઠીને મિલમાં કામ કરવા માટે બંને લોકો ત્યાં રહેતાં હોવાનું બહાર આવ્યું છે. તે બંને આજે 7 વાગ્યે ઉઠ્યાં ન હોવાનું જણાતાં સ્થાનિકોને શંકા ગઈ હતી અને મિલના માલિકને જાણ કરી હતી.. જે બાદ માલિક ત્યાં આવીને જોતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મૈસુરના અધિક પોલીસ અધિક્ષક નંદિનીએ સ્થળની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. જોકે હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.