નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે જણાવ્યું હતું કે તારીખ 6 જૂને યોજાયેલી એરલાઇન્સના સલાહકાર જૂથની બેઠક બાદ દિલ્હીથી કેટલાક રૂટ પર વિમાન ભાડામાં 14 થી 61 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને મંત્રાલયના મોનિટરિંગ પ્રયાસો પર ભાર મૂકતા, સિંધિયાએ દિલ્હીથી શ્રીનગર, લેહ, પુણે અને મુંબઈ જેવા સ્થળોના મહત્તમ ભાડાંમાં થયેલા ઘટાડા પર સંતોષ વ્યક્ત કર્યો.
ભાડા પર નજર: પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સિંધિયાએ કહ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે, તારીખ 6 જૂને દિલ્હીથી શ્રીનગર, લેહ, પુણે અને મુંબઈને જોડતી ફ્લાઈટના મહત્તમ ભાડામાં 14-61 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. DGCA અને મંત્રાલય દૈનિક ભાડા પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં છેલ્લા નવ વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રે કરેલા કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો.
બજાર નિયંત્રિત: સિંધિયાએ સ્પષ્ટ કર્યું કે, એરલાઈન્સને હવાઈ ભાડા નક્કી કરવાનો અધિકાર છે. અને બજારની ગતિશીલતા અને હવામાન સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. ઉડ્ડયન ઉદ્યોગ કિંમતના નિર્ણયો માટે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. એરલાઇન્સને હવાઈ ભાડા નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જે બજાર નિયંત્રિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી એરલાઇન કંપનીઓની પણ પોતાની સામાજિક જવાબદારી છે અને તમામ ક્ષેત્રોમાં ભાડાં વધારવાની મર્યાદા હોવી જોઈએ. ઉડ્ડયન મંત્રાલયની ભૂમિકા અંગે વધુ સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, મંત્રાલયની ભૂમિકા રેગ્યુલેટરની નહીં પણ સુવિધા આપનારની છે.
મુસાફરોની મુસીબતમાં વધારો: તમને જણાવી દઈએ કે, સોમવારે સિંધિયાએ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેને એરલાઈન્સ કન્સલ્ટેટિવ ગ્રુપ દ્વારા બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં, તેમણે એરલાઈન્સને હવાઈ ભાડાં સ્વ-નિયમન કરવા અને વાજબી ભાવ સ્તર જાળવવા વિનંતી કરી. પ્રધાનએ બેઠકમાં કહ્યું હતું કે, મણિપુર અને હવે ઓડિશામાં કેટલીક અણધારી ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં ભાડાના દરો પર ધ્યાન આપવું જોઈએ. આ સિવાય દિલ્હીથી શ્રીનગર, લેહ, મુંબઈ, પુણે, અમદાવાદ અને બેંગલુરુ જેવા શહેરો માટે ભાડાના દરો મહત્તમ રહ્યા છે. ડોમેસ્ટીક એર ટીકીટના આસમાનને આંબી જતા ભાવ મુસાફરોની મુસીબતમાં વધારો કરી રહ્યા છે.