બેંગલોર : બેલાગવીમાં જૈન સાધુ આચાર્ય કામકુમાર નંદી મહારાજની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. જેના વિરોધમાં વિપક્ષ ભાજપના ધારાસભ્યોએ બુધવારે અહીં વિધાન સૌંધ ખાતે ગાંધી પ્રતિમા પાસે ધરણાં પ્રદર્શન કર્યું હતું. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈની આગેવાની હેઠળ ધારાસભ્યો પ્રતિમા પાસે બેઠા હતા અને રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપે કહ્યું કે, મે મહિનામાં કોંગ્રેસ સત્તામાં આવી ત્યારથી જ હિંદુ સંતોની હત્યાનો સિલસિલો શરૂ થયો છે. જૈન સાધુની હત્યા તેનું જ્વલંત ઉદાહરણ છે.
CBI તપાસની માંગ : વિરોધ પક્ષે નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર ભાર મુકતા હત્યાની તપાસ CBIને સોંપવા માંગ કરી હતી. ભૂતપૂર્વ પ્રધાન આર. અશોક, વી. સુનિલકુમાર, ડૉ. સી. એન. અશ્વથ નારાયણ સહિત અન્ય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ આ વિરોધમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મેમોરેન્ડમ સુપ્રત કરવા માટે રાજભવન તરફ કૂચ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપે જૈન મુનિ હત્યા કેસની તપાસ માટે બે તપાસ ટીમ બનાવી હતી.
મંગળવારે બે ટીમોએ બેલાગવી અને મૈસુરની મુલાકાત લીધી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ નલીન કુમાર કાતિલની આગેવાની હેઠળની ટીમમાં 11 સભ્યો છે. બીજી ટીમમાં 10 સભ્યો છે જેનું નેતૃત્વ રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ કરી રહ્યા છે. બંને ટીમના સભ્યોમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને અન્ય અધિકારીઓ સામેલ હતા.-- અશ્વથ નારાયણ (રાજ્ય મહાસચિવ, BJP)
સાધુનું માથું કાપી હત્યા : આ ઘટનાની વિગત અનુસાર બેલગવી જિલ્લાના ચિક્કોડી તાલુકાના હિરેકોડી ખાતે એક જૈન સાધુનું માથું કાપી હત્યા કરવામાં આવી હતી. તેમના શરીરના ભાગોને એક નિષ્ક્રિય બોરવેલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ કેસમાં બે આરોપી નારાયણ બસપ્પા માડી અને હસન દલાયથની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ હત્યા પાછળ પૈસા સંબંધિત કારણ હોવાની શંકા છે. મળતી માહિતી મુજબ જૈન મુનિ 6 જુલાઈથી નંદીપર્વત આશ્રમમાંથી ગુમ હતા.
બે આરોપીની અટકાયત : 6 જુલાઈના રોજ શ્રદ્ધાળુઓએ આશ્રમની આસપાસ જૈન સાધુની શોધખોળ કરી હતી. પરંતુ જૈન સાધુની કોઈ ભાળ મળી ન હતી. જૈન મુનિ આચાર્ય કામકુમાર નંદી મહારાજના ભક્તોએ તેમના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. આ અંગે ચિક્કોડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભક્તોએ જણાવ્યું કે, જૈન મુનિ કામકુમાર નંદી મહારાજ છેલ્લા 15 વર્ષથી નંદીપર્વત આશ્રમમાં રહેતા હતા. ચિક્કોડી પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી અને શંકાના આધારે બે લોકોની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન જૈન મુનિની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.