- પંજાબમાં કોંગ્રેસ આંતરીક લડાઈમાં ધારાસભ્યો નારાજ
- સિદ્ધુ જૂથના ધારાસભ્યો અને કેબિનેટ પ્રધાનોની બેઠક
- સરકારે ધારાસભ્યોના વિસ્તારોના કામ બંધ કરી દીધા હોવાનો આરોપ
ન્યૂઝ ડેસ્ક : પંજાબમાં કોંગ્રેસ વચ્ચેની લડાઈ ફરી વધી રહી છે, મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અને પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના જૂથ વચ્ચેનો ઝઘડો ફરી વધતો જોવા મળી રહ્યો છે. સિદ્ધુ જૂથના લગભગ 20 ધારાસભ્યો અને કેબિનેટ પ્રધાનો પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન તૃપ્ત રાજેન્દ્ર સિંહ બાજવાનાં ઘરે ભેગા થયા હતા. આ કેપ્ટન વિરોધી ધારાસભ્યો અને પ્રધાનોએ નવજોત સિંહ સિદ્ધુના રાજ્યાભિષેકને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો.
ધારાસભ્યો કરે છે કેપ્ટનની નારાજગીનો સામનો
મળતી માહિતી પ્રમાણે નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં ખુલ્લેઆમ આવેલા આ ધારાસભ્યોને પણ કેપ્ટનની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. સરકાર પર આરોપ છે કે, સિદ્ધુ જૂથના ધારાસભ્યો અને પ્રધાનોના વિસ્તારોમાં ઘણા મોટા વહીવટી ફેરબદલ કરવામાં આવ્યા છે. સરકારે આ ધારાસભ્યોના મનપસંદ અધિકારીઓ, પ્રધાનોને તેમના વિસ્તારોમાંથી બદલી કરી દીધી છે. વહીવટી ટ્રાન્સફરની સાથે સાથે સરકારી સ્તરેથી પણ કેટલાક વધુ પગલાં પણ લેવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા કામો બંધ કરી દીધા હોવાનો આરોપ
આ પ્રધાનો અને ધારાસભ્યોના અન્ય ઘણા કામો પણ રાજ્ય સરકારે બંધ કરી દીધા હોવાની વાત સામે આવી રહી છે. નવજોત સિંહ સિદ્ધુને ટેકો આપતા ધારાસભ્યો અંગે રાજ્ય સરકારે લીધેલા આ પગલાંને કારણે ધારાસભ્યો અને પ્રધાનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગીના કારણે ધારાસભ્યો અને પ્રધાનોએ ફરી મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સામે વિરોધ વ્યક્ત કરી શકે છે.