ન્યુઝ ડેસ્ક : ઇન્ટરનેશનલ મેન્સ ડેનો મુખ્ય હેતુ પુરુષની ઓળખના વ્યવહારૂ પાસાંને ઉત્તેજન આપીને તેઓ વિશ્વમાં જે સકારાત્મક મૂલ્યો લાવે છે, તે ઉજાગર કરવાનો તથા પુરુષો અને છોકરાઓએ વેઠવા પડતા સામાજિક પ્રશ્નો પર પ્રકાશ પાડવાનો છે. સકારાત્મક પુરુષ રોલ મોડેલ્સ પર ભાર મૂકીને જાતિગત સમાનતા, જાતિગત (લિંગ આધારિત) સબંધોમાં સુધારો લાવવા પર તથા માનસિક આરોગ્ય પર ધ્યાન આપીને 2020ની થીમ “પુરુષો તથા છોકરાઓ માટે બહેતર આરોગ્ય”ની રાખવામાં આવી છે.
ઇતિહાસ
ઇન્ટરનેશનલ મેન્સ ડેની સ્થાપના ૧૯૯૨માં થોમસ ઓસ્ટર દ્વારા કરવામાં આવી હતી. તેની સંકલ્પના એક વર્ષ અગાઉ કરવામાં આવી હતી. આ દિવસના મહત્વના કારણે પછીથી 1999માં ટ્રિનિદાદ અને ટોબેગો ખાતે યુનિવર્સિટી ઓફ ધી વેસ્ટ ઇન્ડિઝના ઇતિહાસના લેક્ચરર ડો. જેરોમ ટિલકસિંઘ દ્વારા તેનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ડો. ટિલકસિંઘે તેમના પિતાના જન્મદિવસની સ્મૃતિરૂપે તેમજ એક દાયકા અગાઉ (૧૯૮૯માં) તે જ તારીખે સોકર વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થવા દેશને એક કરનાર ટ્રિનિદાદ અને ટોબેગોની સોકર ટીમે જે પ્રયાસ કર્યો હતો, તેની સ્મિતિરૂપે ૧૯મી નવેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઊજવણી માટે પસંદ કર્યો હતો.
આ દિવસને માત્ર જાતિગતતાની ઊજવણી પૂરતો સીમિત રાખવાને બદલે ડો. ટિલકસિંઘે ઇન્ટરનેશનલ મેન્સ ડેને વિશ્વભરમાં પુરુષો તથા છોકરાઓને પ્રભાવિત કરતી સમસ્યાઓને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટેના દિવસ તરીકે વેગ આપ્યો. દર વર્ષે 1૯મી નવેમ્બરનો દિવસ મૂવેમ્બર સાથે પણ મેળ ખાય છે, જ્યારે પુરુષો અને મો બ્રોસ તે દિવસે શેવિંગ કરવાનું ટાળે છે અને પુરુષોના આરોગ્ય માટેનું ભંડોળ એકત્રિત કરવા માટે તેમની મૂછો અને દાઢી વધારે છે.
ભારતમાં ઇન્ટરનેશનલ મેન્સ ડે
૨૦૦૭માં ભારતે પ્રથમ વખત ઇન્ટરનેશનલ મેન્સ ડેની ઊજવણી કરી હતી. ત્યારથી લઇને ભારતમાં દર વર્ષે ૧૯મી નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ મેન્સ ડે ઊજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના પુરુષોને સમર્પિત કરવામાં આવ્યો છે. પુરુષોનો વિશેષ સત્કાર કરવા માટે તેમના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જોકે, ભારતમાં આ દિવસ એટલો લોકપ્રિય નથી, પણ ધીમે-ધીમે આ દિવસની ઊજવણી કરવાના પ્રચલનમાં વધારો થઇ રહ્યો છે. ખાનગી સંગઠનો, સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિક સમાજો પુરુષો તથા છોકરાઓના હક્કો માટે અવાજ ઊઠાવવા લોકોને આગળ આવવા માટે ઉત્તેજન આપી રહ્યાં છે.
જાતિગત (લિંગ આધારિત) સમાનતાના વિશ્વમાં ઇન્ટરનેશનલ મેન્સ ડેનું મહત્વ
સમાજ, સમુદાય, પરિવાર, બાળ સંભાળ અને પર્યાવરણમાં પુરુષોના યોગદાનના હકારાત્મક યોગદાનની ઊજવણી કરવી.
સામાજિક, સાંવેદનિક, ભૌતિક તથા આધ્યાત્મિક સહિતનાં તમામ પાસાંઓને આવરી લઇને પુરુષોના આરોગ્ય અને સુખાકારી પર ભાર મૂકવો.
પુરુષો વિરૂદ્ધના જાતિગત ભેદભાવને ઉજાગર કરવો.
જાતિગત (લિંગ આધારિત) સંબંધોમાં સુધારો કરવો અને જાતિગત સમાનતાને વેગ આપવો.
પુરુષોએ વેઠવી પડતી સામાજિક સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. આ સમસ્યાઓના કેટલાક ચાવીરૂપ આંકડા નીચે પ્રમાણે છેઃ
પુરુષોમાં આત્મહત્યા
પોલીસ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા કેસોના આધારે NCRB આંકડા એકત્રિત કરે છે. NCRBના 2019ના આંકડાઓ અનુસાર, આત્મહત્યાની પ્રત્યેક ૧૦૦ ઘટનાઓમાં પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ ૭૦.૨ હતું અને મહિલાઓમાં આ પ્રમાણ ૨૯.૮ હતું. તેમાંથી લગભગ 68.4 ટકા પુરુષ મૃતકો પરિણીત હતા, જ્યારે મૃતક મહિલાઓમાં આ રેશિયો 62.5 ટકા હતો, તેમ ડેટાના આધારે માલૂમ પડ્યું હતું.
નશીલા પદાર્થો અથવા તો દારૂની લતના કારણે મોત
આત્મહત્યા કરનાર મૃતકોમાં ૯૫ ટકા કરતાં વધુ પુરુષો હતા. ૨૦૧૯ના વર્ષમાં નશીલા પદાર્થો અથવા તો દારૂની લતને કારણે આત્મહત્યા કરનારા કુલ ૭૮૬૦ મૃતકોમાંથી ૭૭૧૯ પુરુષો હતા. આ રીતે મૃતકોનો આંકડો ૯૮.૨ ટકા થાય છે, જે ૨૦૧૦થી ૨૦૧૯ના દસ વર્ષના ગાળામાં નોંધાયેલો સૌથી ઊંચો આંકડો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના આંકડાઓ અનુસાર, દર વર્ષે દારૂના કારણે ૨.૬ લાખ ભારતીયો કાં તો લિવર સિરોસિસ, કેન્સર કે નશો કરીને વાહન ચલાવવાના કારણે સર્જાતા અકસ્માતમાં મોતને ભેટે છે.
અપેક્ષિત આયુષ્ય
તાજેતરના (૨૦૧૩-૨૦૧૭ માટેના) સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વે (એસઆરએસ) અનુસાર, સરેરાશ આયુષ્ય જન્મ થયાથી લઇને ૬૯ વર્ષ સુધીનું હોય છે, જેમાં મહિલાઓનું અપેક્ષિત આયુષ્ય ૭૦.૪ વર્ષ અને પુરુષોનું અપેક્ષિત આયુષ્ય ૬૭.૮ વર્ષનું હોય છે.
ભારતના લગ્ન બજારમાં પુરુષોની સંખ્યામાં ઉમેરો
ભારતનો કુલ સેક્સ રેશિયો – જે પ્રત્યેક ૧,૦૦૦ પુરુષો સામે મહિલાઓની સંખઅયાને સ્પષ્ટીકૃત કરે છે – તે છેલ્લાં ૨૦ વર્ષોમાં વધ્યો છે અને તે અગાઉનાં ૮૦ વર્ષ સુધી તે સતત નીચો રહ્યો હતો.
૨૦૧૧ સુધી ભારતમાં પ્રત્યેક ૧૦૦૦ પુરુષો સામે મહિલાઓની સંખ્યા ૯૪૦ હતી, જે ૨૦૦૧માં ૯૩૩ હતી. પરંતુ વસ્તી વધારાના કારણે તથા દેશમાં હજી પણ પ્રવર્તી રહેલા કન્યા શિશુની ભ્રૂણ હત્યાના દૂષણના કારણે ભારતીય યુવાનોમાં ‘એક્સ્ટ્રા મેન’ની સંખ્યામાં વધારો નોંધાયો છે.
એક અભ્યાસના અંદાજ અનુસાર, ભારતમાં ૧૫ અને ૩૫ વર્ષની વય વચ્ચેના લગભગ ૩૦ મિલિયન વધારાના પુરુષો હશે.
ભારતના લગ્ન બજારમાં મહિલાઓની અછત પ્રવર્તે છે અને આથી તેમનાં જલ્દીથી લગ્ન થઇ જાય છે, તો બીજી તરફ યુવાન અને અપરીણિત રહી ગયેલા પુરુષોની કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓ સરળતાથી અને સચોટપણે જાણી શકાય છે.
તેઓ અતિ નિમ્ન સામાજિક આર્થિક વર્ગમાંથી આવતા હોય છે, તેઓ બેરોજગાર હોય છે અથવા તો અત્યંત ઓછી રોજગારી ધરાવે છે, તેઓ વિચરતી, અસ્થિર પ્રકારની જીવનશૈલી ધરાવે છે અને જે સમુદાયોમાં કામ કરી રહ્યા હોય, તે સમુદાય સાથે અત્યંત ઓછું જોડાણ ધરાવે છે તેમજ સામાન્યપણે તેઓ અન્ય અપરિણીત યુવકો સાથે રહેતા હોય છે અને સમય પસાર કરતા હોય છે.
ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આ અપરિણીત રહી ગયેલા યુવાન પુરુષોને સમુદાયની પ્રચલિત ભાષામાં સમાજની સ્પર્ધામાંથી ફેંકાઇ ગયેલા ગણવામાં આવે છે.
કોરોના મહામારી અને પુરુષોનું આરોગ્ય
પુરુષો અને સ્ત્રીઓ કોરોનાથી અલગ અલગ રીતે પ્રભાવિત થાય છે. કોરોનાના કારણે પુરુષોનાં વધુ મોત નીપજતાં હોવા છતાં મહિલાઓ પણ આ બિમારીથી ઘણી પ્રભાવિત થતી જોવા મળે છે.
જાતિ (સ્ત્રી કે પુરુષ) પર આ મહામારીની જુદી જુદી હાનિકારક અસરો વિશે પણ જાણકારી મેળવવી જોઇએ. કોવિડ મહામારી લિંગ અને જાતિગત તફાવતો પુરુષો પર કેવી જુદી જુદી અસરો નીપજાવે છે, તે દર્શાવે છે.
વાઇરસ સામેનો પુરુષોનો નીચો રોગપ્રતિકારક પ્રતિસાદ અને સાથે પૌરુષત્વ સાથે સંબંધિત જાતિગત પ્રણાલીઓ અને વર્તણૂંક (જેમ કે, ધૂમ્રપાન, માસ્ક પહેરવું અથવા નિયમિતપણે હાથ ધોતાં રહેવું વગેરે જેવાં જાહેર આરોગ્ય તકેદારીનાં પ્રતિરોધક પગલાંઓનું ઓછું પાલન કરવું તથા આરોગ્ય તકેદારી મેળવવામાં વિલંબ કરવો વગેરે) સહિતનાં પરિબળોને કારણે પુરુષો કોરોનાનો વધુ ભોગ બને, તેવી શક્યતા છે.
કાર્ડિયો વસ્ક્યુલર બિમારી, ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન જેવી પુરુષોમાં અગાઉથી જ મોજૂદ કોમોર્બિડિટીનું ઊંચું પ્રમાણ પણ પુરુષોમાં કોરોના ગંભીર સ્વરૂપ ધારણ કરે, તે શક્યતાને વધારી દે છે.
કવેળાએ અને ટાળી શકાય તેવી મૃત્યુની સ્થિતિ સામે ઉપરોક્ત પરિબળો તથા તે સહિતનાં અન્ય પરિબળો જવાબદાર હોય છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોલિસી લેવલે પણ પુરુષના આરોગ્ય બાબતે ઉદાસીનતા સેવવામાં આવે છે.
કાર્ય સંબંધિત તણાવ
અભ્યાસો દર્શાવે છે કે, અડધા કરતાં વધુ પુરુષો કાર્ય સંબંધિત તણાવનો સામનો કરતા હોય છે. તેમાંથી કેટલાક પુરુષો તેમના તણાવને દૂર કરવાનો કોઇ ઉપાય ન હોવાનું માનતા હોય છે.
કાર્ય સ્થળો ખાસ કરીને વૈશ્વિક મહામારીને કારણે ભારે અનિશ્ચિતતા ધરાવતા આ વર્ષ દરમિયાન દુઃખ કે ચિંતા, ઉચાટની સામાન્ય લાગણીઓને ધ્યાનમાં રાખીને અને માનસિક આરોગ્યની ચર્ચા કરીને લાંછન દૂર કરવા માટે મદદ પૂરી પાડી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પુરુષોને – છોકરાઓને તેમના જીવનમાં એક પુરુષ હોવા તરીકેની જવાબદારીઓ, મૂલ્યો અને લાક્ષણિકતાઓ શીખવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું તેમ, “આપણે સ્વયંમાં એવું પરિવર્તન લાવવું જોઇએ, જે આપણે અન્યોમાં ઇચ્છતાં હોઇએ છીએ.” આવું થશે, ત્યારે જ આપણે સૌ – પુરુષો અને સ્ત્રીઓ એવા ન્યાયપૂર્ણ અને સલામત સમાજનું સર્જન કરીશું, જે તમામ લોકોને સમૃદ્ધ થવા માટેની, પ્રગતિના પંથે આગળ વધવા માટેની તક પૂરી પાડતો હોય.