રાજસ્થાન : આજે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર સામે આવ્યા છે. ઉડાન દરમિયાન વિમાનમાં સવાર એક મુસાફરની તબિયત અચાનક બગડતાં જયપુર એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1423 લખનૌથી રાત્રે 9:45 કલાકે રવાના થઈ હતી. ફ્લાઇટ પાકિસ્તાનની એરસ્પેસમાં પહોંચવાની હતી. આ દરમિયાન પ્લેનમાં મુસાફરની તબિયત બગડતાં પાયલટે પરત ફરીને જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઈટમાં હાજર ક્રૂ મેમ્બર્સને આ વાતની જાણ થતાં જ તેઓ દોડી આવ્યા હતા.
ચાલું પ્લેનમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક : આ ફ્લાઈટ લખનૌથી શારજાહ જઈ રહી હતી. પ્લેનમાં પેસેન્જરને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે મુસાફરની તબિયત અચાનક બગડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરોએ ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને જણાવ્યું કે, એક મુસાફરને હાર્ટ એટેક આવ્યો છે. પેસેન્જરની હાલત જોઈને ફ્લાઈટમાં હાજર એરલાઈન્સ સ્ટાફ ચોંકી ગયો હતો. પેસેન્જરને તાત્કાલિક સંભાળી લેવામાં આવ્યો હતો. ફ્લાઈટના ક્રૂ મેમ્બરોએ તરત જ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટને જાણ કરી અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગવામાં આવી હતી. જયપુર એરપોર્ટ એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) અધિકારીઓને માહિતી મળતાની સાથે જ ફ્લાઈટને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી.
જયપુરમાં મુસાફરને આપવામાં આવી પ્રાથમિક સારવાર : પાઈલટે જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ બાદ પેસેન્જરને ફ્લાઈટમાંથી ઉતારીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં પેસેન્જરની સારવાર કરવામાં આવી રહી છે. તે જ સમયે, ફ્લાઈટમાં હાજર અન્ય મુસાફરો સાથે ફ્લાઈટ પરત રવાના થઈ હતી.