રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંડેરી સ્ટેડિયમ ખાતે વન-ડે મેચ રમાનાર છે. ત્યારે આ વન-ડે મેચને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આ બંને ક્રિકેટ ટીમ આગામી 25 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે આવી પહોંચશે. આ બંને ટીમો 26 સપ્ટેમ્બરના રોજ નેટ પ્રેક્ટિસ કરશે અને 27ના રોજ બંને ટીમો મેચને જીતવા માટે મેદાન ઉપર ઉતરશે.
હોટેલ તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ: રાજકોટમાં કાલાવડ રોડ રોડ ઉપર આવેલી સૈયાજી હોટલ ખાતે ટીમ ઇન્ડિયાને ઉતારો આપવામાં આવનાર છે. ત્યારે આગામી 25 સપ્ટેમ્બરના બપોરે અઢી વાગ્યાની આસપાસ ટીમ ઇન્ડિયા હોટેલ ખાતે આવી પહોંચશે. જ્યાં હોટેલ તંત્ર દ્વારા ટીમ ઇડિયાનું રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવામાં આવશે. રાજકોટમાં મેચ યોજનાર હોય ત્યારે બંને આંતરરાષ્ટ્રીય ટીમો રાજકોટ ખાતે હોટેલમાં રોકાનાર હોય જેને લઇને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે: ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને એકસાથે ખાસ વિમાન મારફતે 25 સપ્ટેમ્બરના રોજ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચશે. ટીમ ઇન્ડિયા સૈયાજી હોટલ ખાતે જશે અને ટીમ ઓસ્ટ્રેલિયા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે જશે. ઓસ્ટ્રેલિયન ટીમને આવકારવા માટે ફોર્ચ્યુન હોટેલના સ્ટાફમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમને પણ ગુજરાતી ભોજનની સાથે ઓસ્ટ્રેલિયન ફૂડ આપવામાં આવશે. બીસીસીઆઈના નિયમ પ્રમાણે જ ખેલાડીઓને તમામ ફૂડ આપવામાં આવશે.
'આ અગાઉ પણ ટીમ ઇન્ડિયા સૈયાજી હોટેલ ખાતે રોકાઈ ચૂકી છે. એવામાં ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે હોટેલ સ્ટાફમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ ઇન્ડિયાને ફોટા વાળો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવશે. આ સાથે જ ટીમ ઇન્ડિયાને 26 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી ભાણું પીરસવામાં આવશે. તેમજ દરરોજ નાસ્તામાં ગાંઠિયા, ફાફડા અને જલેબી પણ આપવામાં આવશે.' - ઉર્વેશ પુરોહિત, હોટલ મેનેજમેન્ટ
સીરીઝની છેલ્લી મેચ રાજકોટમાં રમાશે: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરીઝ યોજનાર છે. જેમાં એક મેચમાં ભારતની જીત થઈ છે ત્યારે બીજી મેચ યોજાવાની છે અને ત્યારબાદ છેલ્લી મેચ રાજકોટ ખાતે રમાવાની છે. રાજકોટમાં મેચ યોજાયા બાદ આ બંને ટીમો વર્લ્ડ કપ રમવા માટે અન્ય દેશમાં જશે. આ વખતે ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચને લઈને ટિકિટના ભાવમાં પણ બમણો વધારો જોવા મળી રહ્યો છે. હાલ આ મેચની ટિકિટ 1500થી શરૂ થઈને 10,000 રૂપિયાની મળી રહી છે. જ્યારે વન-ડે હોય એટલે કે 50 ઓવરની મેચ હોય, જેને લઈને મોટી સંખ્યામાં પ્રેક્ષકો પણ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેશે. જેને ધ્યાનમાં રાખીને ટિકિટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અગાઉ t20 મેચ હતા જેને લઇને ટિકિટના ભાવ મધ્યમ જોવા મળ્યા હતા પરંતુ 50 ઓવરના વન-ડે મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાંથી મોટાભાગની ટિકિટોનું વેચાણ પણ થઈ ચુક્યું છે.