- વેક્સિનને કારણે 68 વર્ષીય વૃદ્ધનું મોત
- કેન્દ્ર સરકારની AEFI કમિટીએ કરી પુષ્ટિ
- વેક્સિન બાદ થઈ હતી એનાફિલેક્સિસ એલર્જી
ન્યૂઝ ડેસ્ક : દેશમાં કોરોના વેક્સિનથી મોત નિપજ્યુ હોવાની પ્રથમ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. 68 વર્ષીય વૃદ્ધે 8 માર્ચના રોજ કોરોના વેક્સિન (Corona Vaccine) લીધી હતી. જ્યારબાદ તેમને એનાફિલેક્સિસ (Anaphylaxis) એલર્જી થઈ હતી. જેના કારણે જ તેમનું મોત નિપજ્યું હોવાની પુષ્ટિ કેન્દ્ર સરકારની AEFI કમિટી દ્વારા કરવામાં આવી છે.
એનાફિલેક્સિસ એલર્જીના કારણે નિપજ્યું હતું મોત
68 વર્ષીય વૃદ્ધે 8 માર્ચના રોજ કોરોના વેક્સિન(Corona Vaccine) લીધી હતી. વેક્સિનેશન બાદ તેમને એનાફિલેક્સિસ (Anaphylaxis) જેવી સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી હતી. જ્યારબાદ તેમનું મોત નિપજ્યું હતું. કેન્દ્ર સરકારની AEFI કમિટીના રિપોર્ટ અનુસાર, વેક્સિન લીધા બાદ થયેલા કુલ 31 મોતના એસેસમેન્ટ બાદ આ પ્રથમ મોત વેક્સિનના કારણે થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે હજુ પણ 3 મોત વેક્સિનના કારણે થયા હોવાની શંકા સેવાઈ રહી છે. જોકે, તેનો ખુલાસો સંપૂર્ણ તપાસ પૂરી થયા બાદ જ આવશે.
શું છે AEFI કમિટી અને કઈ રીતે કામ કરે છે?
કોઈપણ વેક્સિન લગાવ્યા બાદ થતી ગંભીર બિમારી અથવા તો મોતને AEFI એટલે કે એડવર્સ ઈફેક્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન લીધા બાદ નોંધાતા મોતના તેમજ અન્ય આડઅસરોની તપાસ માટે AEFI કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દેશભરમાંથી આ પ્રકારના કિસ્સાઓ શોધવામાં આવે છે. જેની તેઓ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસ કરે છે અને ખરેખર વેક્સિનના કારણે જ મોત કે બિમારી થઈ છે કે કેમ ? તેની પુષ્ટિ કરે છે. આ કમિટી વર્ષોથી દેશમાં અપાતી તમામ વેક્સિનની આડઅસરો તેમજ મોતના દાવાઓ પર સંશોધન કરે છે.
Anaphylaxis અને તેની સારવાર
એનાફિલેક્સિસ (Anaphylaxis)ને ઘાતકી એલર્જી ગણવામાં આવે છે. જેની સારવાર ત્વરિત કરવી ખૂબ જ જરૂરી છે. ત્વરિત સારવારના અભાવે એલર્જી સમગ્ર શરીરમાં પ્રસરે છે. મોટાભાગના કિસ્સાઓમાં એલર્જી તાત્કાલિક દેખાઈ આવે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં કલાકો બાદ લક્ષણો જોવા મળે છે. તેની સારવારમાં એપિનફિરીનનો એક શોટ ફાયદાકારક રહે છે. જે દર્દીને તાત્કાલિક જ આપવો પડે છે. એપિનફિરીન એ 'એડ્રેનલિન ઓટો ઈન્જેક્ટર' છે, જે રક્તવાહિનીઓને સાંકડી કરે છે. જેના કારણે એલર્જી ઝડપથી દૂર થઈ જાય છે.
Anaphylaxis ના લક્ષણો
- ત્વચા પર ઉઝરડા પડવા
- શરીર પર ખંજવાળ, સોજા આવી જવા
- ખાંસી તેમજ શ્વાસ લેવામાં તકલીફ
- પેટમાં દુઃખાવો અને ઉલટીઓ
- ચક્કર આવવા અને માથામાં દુઃખાવો
- શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ
- ડાયેરિયા તેમજ ગળાના ભાગે સોજો આવવો
- શરીરનું પીળુ પડવું અને પલ્સ રેટ ઘટી જવો
વેક્સિનેશનને લઈને તમામ પ્રશ્નો અને મૂંઝવણો દૂર કરવા અહીં ક્લિક કરો