- રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાને કર્યું સંબોધન
- હાલમાં વિદેશ પ્રવાસે હોવાથી વીડિયોના માધ્યમથી સંબોધ્યા
- લોકોને સરદાર પટેલના જીવનને અનુસરવા માટે કરી અપીલ
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાન સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પર તેમને નમન કર્યા હતા. આ સાથે વડાપ્રધાને દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. એક રેકોર્ડેડ વીડિયો સંદેશમાં તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ માત્ર ઈતિહાસમાં જ નહીં, પરંતુ દેશવાસીઓના હ્રદયમાં પણ છે.
વડાપ્રધાને કહ્યું કે, એકતાની ભાવના દેશના દરેક ખૂણામાં છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે થઈ રહેલા આયોજનોમાં તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. સરદાર પટેલે દેશહિતને હંમેશા સર્વોપરિ રાખ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધરતીના જે ભૂમિખંડમાં આપણે 130 કરોડથી વધુ ભારતીયો રહીએ છીએ, તે આપણી આત્મા, સપનાઓ, આકાંક્ષાઓનો અખંડ ભાગ છે. સેંકડો વર્ષોથી ભારતના સમાજ, પરંપરાઓથી લોકતંત્રના મજબૂત પાયાઓ વિકસિત થયા છે. જેણે ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે.