રામપુર: ભારતના રાષ્ટ્રપતિએ 2008માં પરિવારના સાત સભ્યોની હત્યા માટે દોષી ઠરેલી ઉત્તર પ્રદેશની શબનમની દયા યાચિકાને ફગાવી દીધી, તે પછી તે સ્વતંત્ર ભારતમાં ફાંસીની સજા પામનાર પહેલી મહિલા બની ગઈ છે. સનસનાટીભર્યા અમરોહા હત્યા કાંડમાં બે દોષિતો પૈકી તે એક છે અને તે મથુરા જેલમાં ફાંસી પામવાની નિશ્ચિત છે. શબનમ રામપુર જિલ્લા જેલમાં અત્યારે કેદમાં છે.
કેસ ડાયરી
શબનમ સલીમ નામના એક વ્યક્તિના પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે લફરું હતું અને તેઓ પરણવા માગતાં હતાં. પરંતુ શબનમનો પરિવાર તેણીના આ સંબંધની વિરુદ્ધ હતો અને તેમનો વિરોધ આ હત્યાઓમાં પરિણમ્યો.
અહેવાલો મુજબ, શબનમ અને સલીમે શબનમના પરિવારજનોની હત્યા કરવા ષડયંત્ર રચ્યું. 14 એપ્રિલ 2008ના રોજ, તેમણે શબનમના પિતા, માતા અને 10 મહિનાના ભત્રીજા સહિત શબનમના પરિવારના સાત સભ્યોની હત્યા કરી નાખી.
આ યુગલે પહેલાં સમગ્ર પરિવારને દર્દશામક દવાવાળું ભોજન પીરસ્યું. તે પછી તેમની હત્યા કરી, તેમ અહેવાલોમાં જણાવાયું હતું.
આ અપરાધ પ્રકાશમાં આવ્યા પછી તરત જ જિલ્લા પોલીસે શબનમ અને સલીમની ધરપકડ કરવામાં આવી હતી.
આ કિસ્સામાં, ન્યાયાલયમાં 27 મહિનામાં લગભગ 100 દિવસ માટે ઉલટ તપાસ ચાલી હતી. ચુકાદાના દિવસે ન્યાયાલયે લગભગ 29 જેટલા સાક્ષીઓનાં નિવેદનો સાંભળ્યાં હતાં.
649 પ્રશ્નો અને 160 પૃષ્ઠનો ચુકાદો
બધા સાક્ષીઓને કેસ સંબંધિત 649 પ્રશ્નો પૂછવામાં આવ્યો પછી 160 પૃષ્ઠનો આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં, સલીમે હત્યાઓમાં તેની ભૂમિકાનો સ્વીકાર કર્યો અને તેનાથી પોલીસને અપરાધમાં વપરાયેલાં શસ્ત્રો મળી આવ્યાં.
જિલ્લા અને સત્ર ન્યાયાલયે ૧૪ જુલાઈ ૨૦૧૦ના રોજ તેમને મૃત્યુદંડની સજા સંભળાવી. વર્ષ 2010માં, બંને દોષિતોએ સત્ર ન્યાયાલયના ચુકાદાને અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર્યો. અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે મૃત્યુદંડની સજા માન્ય રાખી.
બાદમાં, તેમણે સર્વોચ્ચ ન્યાયાલયમાં ધા નાખી પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે પણ વર્ષ ૨૦૧૫માં મૃત્યુદંડની સજા માન્ય રાખી. બધા કાનૂની વિકલ્પો પૂરા થઈ ગયા હોવાથી, તે પછી શબનમે તે સમયના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સમક્ષ દયાની અરજી કરી, જેને તેમણે ફગાવી દીધી. તેમણે સર્વોચ્ચ ન્યાયાલયમાં સમીક્ષા અરજી પણ કરી.
મથુરા જેલ
મથુરા જેલ દેશની એક માત્ર જેલ છે જ્યાં મહિલાને ફાંસી આપવાનો ઓરડો છે.
તેણી મથુરા જેલમાં વર્ષ 2019માં આવી અને અન્ય કેદીઓ સાથે તેનું વર્તન સારું હતું. ભારતની સ્વતંત્રતા પછી તે પહેલી મહિલા કેદી હશે જેને ફાંસીની સજા અપાશે, તેમ વર્માએ ઉમેર્યું હતું. ઇટીવી ભારતની સાથે વાત કરતા જેલર રાકેશકુમાર વર્માએ કહ્યું કે, મથુરા જેલના અધિકારીઓએ મૃત્યુદંડના દોષિતો માટે વપરાતા દોરડાનો આદેશ આપી પણ દીધો છે.
ભારતમાં મહિલાઓને ફાંસી
સ્વતંત્રતા પછી કોઈ મહિલા દોષિતને ફાંસી નથી અપાઈ અને ભારતનો એક માત્ર મહિલા ફાંસી ઓરડો લગભગ ૧૫૦ વર્ષ પહેલાં બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૭૦માં મથુરા જેલમાં બન્યો હતો.
ભારતમાં આ ફાંસીના ઓરડાનો એક માત્ર ઉલ્લેખ ઉત્તર પ્રદેશ જેલ પુસ્તિકા, ૧૯૫૬માં જોવા મળે છે જેમાં મૃત્યુદંડ પામેલી મહિલા દોષિતોને ફાંસીની સજા આપવાના નિયમોનું વર્ણન કરે છે.
પરિવારે આનંદ વ્યક્ત કર્યો
શબનમના કાકા/મામા/ફૂઆ સત્તાર અલીએ કહ્યું, "જ્યારે હત્યાકાંડ થયો ત્યારે અમે ઘરે નહોતા. જ્યારે અમે રાત્રે બે વાગ્યા આસપાસ ત્યાં ગયા ત્યારે ચારે તરફ લોહી-લોહી હતું અને શરીરને કાપી નખાયા હતા. આ અપરાધ અક્ષમ્ય હતો. તેણે તેના પોતાના પરિવારના સાત સભ્યોની ક્રૂર રીતે હત્યા કરી હોવાથી તેને ફાંસી અપાવી જોઈએ."
ફાંસી આપનાર પવને ફાંસીના ઘરનું નિરીક્ષણ કર્યું છે.
સૂત્રો મુજબ, એક વાર ફાંસીની તારીખ નિર્ધારિત થઈ જાય પછી જલ્લાદ પવન કે જે પવન જલ્લાદના નામથી પણ જાણીતા છે તેમના દ્વારા ફાંસી આપવામાં આવશે.
પવન વ્યાવસાયિક ફાંસીની સજા આપનાર છે. તેણે નિર્ભયા કેસમાં દોષિતોને ફાંસી આપી હતી. તેના પિતા અને અગાઉની ત્રણ પેઢીની જેમ, પવન ફાંસીની સજા આપવાની વિગતો જાણે છે.
"તેણે તેના પ્રેમીની સાથે તેણીના પરિવારને મારી નાખ્યો. આ જઘન્ય અપરાધ છે. તેમને ફાંસી આપવી જોઈએ. હું પરીક્ષણ કરીશ, દોરડું તપાસીશ, બૉર્ડ પણ તપાસીશ કે તે પૂરેપૂરું તૈયાર છે કે કેમ." પવને કહ્યું.
શબનમના દીકરાએ રાષ્ટ્રપતિને વિનંતી કરી
દરમિયાનમાં, શબનમના 12 વર્ષીય દીકરા તાઝે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક લાગણીસભર અનુરોધ કરતાં તેની માતાના જઘન્ય અપરાધને ક્ષમા કરવા અને તેણીનો મૃત્યુદંડ પાછો ખેંચવા વિનંતી કરી હતી.
શબનમના દીકરાનો અનુરોધ એવા સમયે આવ્યો છે જ્યારે તેણીની ફાંસીની સજા માટે ડેથ વૉરન્ટ પર ગમે ત્યારે સહી થઈ શકે છે.