કાનપુર : કાનપુરના ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીએ એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધોરણ 10 માં ભણતો વિદ્યાર્થી જાણીને અને તેની ઉંમર જોઈને આ બાળકને સામાન્ય ન સમજો. કારણ કે આ વિદ્યાર્થી અસાધારણ પ્રતિભા ધરાવે છે. આમ તો આ બાળક હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે, પરંતુ તે કાનપુર યુનિવર્સિટીમાં કાયદાના વિદ્યાર્થીઓને ભણાવે છે. ઉપરાંત સિવિલ સર્વિસીઝ પરીક્ષાની તૈયારી કરનારાઓ તેનું માર્ગદર્શન મેળવવા માટે આતુર હોય છે. આ વિદ્યાર્થી એટલો તેજસ્વી છે કે, ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિતના દરેક વ્યક્તિ આ બાળકની પ્રશંસા કરતા થાકતાં નથી. હા ! અમે વાત કરી રહ્યા છીએ કાનપુરના બાળ-પ્રોફેસર યશવર્ધન સિંહની જેમના નામ પર પહેલેથી જ ઘણી સિદ્ધિઓ નોંધાયેલી છે. ETV BHARAT યશવર્ધન સાથે ખાસ વાતચીત કરી હતી.
આવી રીતે થઈ પુસ્તકો સાથે મિત્રતા : રમકડાં સાથે રમવાની ઉંમરમાં યશવર્ધને માતાના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું. યશવર્ધનની માતા કંચન પાલ સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. માતા પરીક્ષામાં સફળ ન થઈ શકી પરંતુ યશવર્ધનની પુસ્તક સાથેની દોસ્તી એવી હતી કે થોડા જ દિવસોમાં તેની બધે ચર્ચા થવા લાગી. યશવર્ધને નાની ઉંમરમાં ઘણું જ્ઞાન મેળવ્યું હતું. યશવર્ધને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી સંબંધિત પુસ્તકોનો અભ્યાસ કર્યો તેમજ ઇતિહાસ અને કાયદાને લગતા કોર્સનો અભ્યાસ પણ કર્યો હતો. પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમની ખ્યાતિ દેશથી આગળ વધીને વિદેશમાં પહોંચી ગઈ.
શિણક્ષપ્રધાને કરી જોરદાર ઓફર : થોડા દિવસો પહેલા દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફ્રેન્સ યશવર્ધનના જીવનમાં એક અવસર તરીકે ઉભરી આવી હતી. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં 30 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બધાની સામે યશવર્ધને ભારતનું નેતૃત્વ કરતા પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ વિષય પર તેમના વિચારો બેબાક વ્યક્ત કર્યા હતા. થોડા દિવસો પહેલા જ્યારે યશવર્ધન શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા ત્યારે વાતચીત દરમિયાન તેમણે યશવર્ધનને કહ્યું- આવો અને મારી ખુરશી પર બેસો. શિક્ષણપ્રધાન ઉપરાંત આવી બીજી ઘણી હસ્તીઓ છે જેઓ યશવર્ધનને મળ્યા પછી ખૂબ પ્રભાવિત થયા હતા.
CM યોગી છે યશના ચાહક : 17 સપ્ટેમ્બર 2022 ના રોજ યશવર્ધન પાંચ કાલિદાસ માર્ગ પર CM યોગી આદિત્યનાથને મળવા ગયા હતા. મુખ્યપ્રધાન તેને જોતાની સાથે જ હસવા લાગ્યા, પરંતુ જ્યારે તેઓએ યશવર્ધન સાથે ભારત પર રશિયા-યુક્રેન યુદ્ધની અસર, દેશમાં ઘઉંના ઉત્પાદનમાં વધારો જેવા ગંભીર વિષય પર વાત કરવાનું શરૂ કર્યું તો યશવર્ધનના જવાબો સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે સમયે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે યશવર્ધનને આશીર્વાદ આપતા કહ્યું હતું કે, આગળ વધો અમે હંમેશા તમારી સાથે છીએ. તેવી જ રીતે રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલે યશવર્ધન સાથે રાજ્યની યુનિવર્સિટીના વધુ સારા વિકાસ અંગે ચર્ચા કરી હતી. તેઓ પણ યશવર્ધનના જ્ઞાનથી પ્રભાવિત થઈ ગયા હતા.
યશવર્ધનનું લક્ષ્ય : હાલમાં યશવર્ધન કાનપુર યુનિવર્સિટીમાં કાયદાના વિદ્યાર્થીઓને ભણાવે છે. લાંબા સમયથી તેઓ એક ખાનગી કોચિંગ સંસ્થા સાથે સંકળાયેલા છે અને સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે. હાલમાં તે ઉદય ભારતી ઈન્ટર કોલેજમાંથી 10 મા ધોરણનો અભ્યાસ પણ કરી રહ્યો છે. યશવર્ધને જણાવ્યું કે, તેનું લક્ષ્ય IFS નોકરી છે. પરંતુ આ નોકરીમાં રહીને તેઓ ભારતને વિશ્વગુરુ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા માંગે છે. જેમાં તેના પિતા ડો. અંશુમાન સિંહ અને શિક્ષક માતા કંચન પાલ સંપૂર્ણ સહયોગ આપે છે.