હૈદરાબાદ: બુધવારે વહેલી સવારે એલબી નગર વિસ્તારમાં ફ્લાયઓવર ધરાશાયી થવાની જાણકારી મળી છે. આ પુલ નિર્માણાધીન હતો, જેના રેમ્પનો એક ભાગ તૂટી ગયો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ મજૂરો ઘાયલ થયા હોવાની માહિતી છે. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માત સાગર રિંગ રોડ પર થયો હતો. જ્યાં ટ્રાફિક ઈન્ટરસેક્શન પર ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, જ્યારે મજૂરો થાંભલાની ટોચ પર સ્લેબ નાખતા હતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
નવ લોકો ઘાયલ : આ ઘટનામાં એક એન્જિનિયર અને સાત કામદારો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને KIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે. ઘાયલો ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી છે. તેમાંથી ચારની ઓળખ રોહિત કુમાર, પુનીત કુમાર, શંકર લાલ અને જિતેન્દ્ર તરીકે થઈ છે.
જ્યારે કામદારો સ્લેબ નાખતા હતા ત્યારે એક નાનો ભાગ તૂટી પડ્યો હતો. ફ્લાયઓવરનું કામ હજુ ચાલુ છે. તેથી નબળી ગુણવત્તા માટે કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈ શકાય નહીં. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.-- શ્રીધર રેડ્ડી (ACP, એલબી નગર)
જવાબદાર કોણ ? રાચકોંડા પોલીસ કમિશનર ડી.એસ. ચૌહાણ અને એલબી નગર DCP સાઈ શ્રીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. સ્થાનિક ધારાસભ્ય સુધીર રેડ્ડીએ પણ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ કામદારો સાથે વાત કરી હતી. વિપક્ષ કોંગ્રેસ અને સ્થાનિક BJP આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, કામની ગુણવત્તા અને બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે.