અમદાવાદ : 1 એપ્રિલ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આપનું લાગણીતંત્ર વધારે સંવેદનશીલ બનશે. પરિણામે કોઇની વાણી કે વર્તનથી આપનું મન દુભાશે. માનસિક અજંપા સાથે શારીરિક અસ્વસ્થતાથી આપ બેચેન રહેશો. માતાનું આરોગ્ય આજના દિવસમાં સંભાળવું પડશે. વાહન ચલાવતા સાવધાની રાખવી જરૂરી છે. અગત્યના દસ્તાવેજો આજે ન કરાવવાની સલાહ છે. ઓફિસમાં કે અન્યત્ર સ્ત્રીવર્ગથી હાનિ પહોંચવાની સંભાવના નકારી શકાય નહીં. વિદ્યાર્થીઓએ મહેનત થોડી વધારવી પડશે.
વૃષભ: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. ચિંતાના બોજમાંથી હળવાશનો અનુભવ થતાં સ્ફૂર્તિ અને ઉત્સાહનો અનુભવ કરશો. ભાવુક્તાના પ્રવાહમાં કલ્પના જગતમાં વિહાર કરશો. આપની અંદર રહેલી સાહિત્ય કે કલાસૂઝને બહાર લાવવા માટે યોગ્ય સમય છે. પરિવારજનો તરફ વિશેષ ધ્યાન આપશો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય. આર્થિક આયોજનો પાર પડે. મનપસંદ ભોજન મળે, ભાગ્યવૃદ્ધિની તકો સાંપડશે.
મિથુન: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજે આપને કાર્ય સફળતા મળે પરંતુ થોડો વિલંબ થાય, એમ છતાં તે અંગેના પ્રયત્નો ચાલુ રાખતાં તે પાર પાડી શકશો. નાણાકીય આયોજનોમાં અવરોધ બાદ માર્ગ મોકળો થતો જણાય. નોકરી ધંધામાં સાથી કાર્યકરોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે.
કર્ક: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. શારીરિક માનસિક સુખાકારી જળવાશે. મિત્રો અને સ્વજનો સાથે આજનો દિવસ ખુબ આનંદ ઉલ્લાસથી પસાર કરશો. આપનું મન વધારે લાગણીશીલ રહેશે. દાંપત્યજીવનમાં જીવનસાથી પરત્વે વિશેષ આકર્ષણ અનુભવશો, જેથી મધુરતા રહેશે. પ્રવાસની શક્યતા અને આર્થિક લાભના યોગ છે.
સિંહ: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. ચિંતાના બોજથી દૂર રહેવું અન્યથા આપનું આરોગ્ય જોખમાઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી કોઈની સાથે ઉગ્ર દલીલો કે વાદવિવાદથી દૂર રહેવું તેમજ સંઘર્ષની સ્થિતિ ટાળવી. કોર્ટ કચેરીના કામમાં સાવધાનીપૂર્વક પગલું ભરવું. લાગણીના પ્રવાહમાં તણાઇને આપ કોઇ અવિચારીકાર્ય ના કરતા. વાણી અને વર્તનમાં વધુ સંયમ તથા વિવેક જાળવવાની આપને સલાહ છે.
કન્યા: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. તન મનની સ્વસ્થતા સાથેનો ખુશહાલ દિવસ આપને વિવિધ લાભોની લ્હાણી કરાવશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગને આર્થિક લાભ થશે. ઉપરી અધિકારીઓ ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. લગ્નોત્સુક પાત્રો માટે અનુકૂળ સંજોગો સર્જાય. સ્ત્રી મિત્રો લાભકાર નીવડે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળે પર્યટન થાય. લગ્નસુખનો ભરપુર આનંદ માણી શકશો.
તુલા: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના કાર્યો સરળતાથી પાર પડશે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળતાં આપનો આત્મવિશ્વાસ વધશે. વેપારીઓને વેપારમાં તેમજ આવકમાં વૃદ્ધિ થાય. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહે. આરોગ્ય જળવાય. ઉત્તમ સાંસારિક સુખ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. થાક, આળસ અને ચિંતાથી આપનો કામ કરવાનો ઉત્સાહ થોડ મંદ પડી રહ્યો હોય તેવું લાગશે. વિશેષ કરીને સંતાનો સંબંધિત પ્રશ્નોની આપે વિશેષ કાળજી લેવી પડશે. કાર્યક્ષેત્રે પણ અધિકારીવર્ગ સાથે વિનમ્રતા રાખવી અને કામપૂરતું જ કમ્યુનિકેશન કરવું અન્યથા તેમના વર્તનથી આપને મનમાં ગ્લાનિ થઈ શકે છે. પ્રતિસ્પર્ધીઓ અને વિરોધીઓથી સંભાળીને ચાલજો. વ્યવસાયમાં પ્રતિકૂળ સ્થિતિઓનો સામનો કરવાની પૂર્વતૈયારી રાખશો તો વધુ ફાયદામાં રહેશો. મહત્ત્વના નિર્ણયો ન લેવાની સલાહ છે.
ધન: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. અનિચ્છનીય બનાવો, માંદગી, ક્રોધાવેશ વગેરે માનસિક રીતે કોઈપણ વ્યક્તિને તોડી શકે છે માટે આજના દિવસમાં શક્ય હોય ત્યાં સુધી ગુસ્સા પર કાબુ રાખવાની સલાહ છે. જેમની તબિયત પહેલાથી ખરાબ હોય તેમણે પણ સારવારમાં વિશેષ સાવધાની રાખવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી બચીને રહેવું અને નવા સંબંધો બાંધવામાં પણ સામેના પાત્રને જોઈ-પારખીને આગળ વધવું. ભોજનના શિડ્યુલમાં અનિયમિતતા આવી શકે છે. વધારે ખર્ચ પર અંકુશ રાખવાની સલાહ છે.
મકર: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. કાર્યબોજ અને માનસિક ટેન્શનમાંથી હળવા થઇ મિત્રો, સગાંસ્નેહીઓ સાથે ખુશખુશાલ રીતે આજનો દિવસ પસાર કરશો. વિજાતીય પાત્રો પરત્વે આકર્ષણ અનુભવો. લગ્નસુખ શ્રેષ્ઠ મળે. વેપારીઓ તેમના વેપારને વિસ્તારી શકે. આર્થિક લાભ અને માનસન્માનમાં વૃદ્ધિ થાય. આરોગ્ય જળવાશે. પ્રિયજન સાથે મુલાકાત અને નાનકડો પ્રવાસ આપના આનંદમાં વૃદ્ધિ કરશે.
કુંભ: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આપને આજે કાર્ય બોજમાં સફળતા સાથે યશ પણ મળશે, કુટુંબીજનો સાથે વધુ ઉષ્મા અને લાગણીભર્યો વ્યવહાર રહે. શારીરિક તથા માનસિક સ્વસ્થતા રહે. નોકરી ધંધાના સ્થળે સહકર્મચારીઓ આપને સહાયરૂપ બનશે. ઘરમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહેશે.
મીન: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપની કલ્પના શક્તિ સોળે કળાએ ખીલશે જેના કારણે સાહિત્ય સર્જન માટે ઉત્તમ દિવસ છે., વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરી શકે. આપના સ્વભાવમાં ભાવુક્તા વધારે રહે. પેટના દર્દ થાય. મનમાં અજંપો રહે. માનસિક સમતુલા જાળવી રાખવી. પ્રેમીઓને પ્રણય માટે સાનુકૂળ દિવસ છે.