બેંગલુરુ : ગઈકાલે મોડી રાત્રે બટારાયનપુર ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળના RR નગર મેટ્રો સ્ટેશન પાસે એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો. એક નબિરાઓના જૂથે નશામાં બેદરકારી પુર્વક ગાડી ચલાવી એક વ્યક્તિને હડફેટે લિધો હતો. આ રોડ અકસ્માતમાં એક ફૂડ ડિલિવરી બોય ભોગ બન્યો હતો. આરોપી ડ્રાઈવરને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે કારમાં સવાર અન્ય લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા.
ડ્રિંક એન્ડ ડ્રાઈવ : દારૂ પીધેલા મિત્રોએ બેદરકારીથી કાર ચલાવી અને બાઇક ચલાવતા ફૂડ ડિલિવરી બોયને ટક્કર મારી હતી. આ ટક્કરથી ડિલિવરી બોય રોડ પર પટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, ડિલિવરી બોય 100 મીટર દૂર સુધી ઢસડાયો હતો. બાદમાં ડ્રાઈવર વિનાયકને સ્થાનિકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. મળતી માહિતી મુજબ વિનાયક વિજયનગરમાં રહે છે. તે Mahindra Car Showrooms in Rajajinagarમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો.
યુવક 100 મીટર સુધી ઢસડાયો : વિનાયકને રવિવારે બોનસ મળ્યુ હતુ અને તેણે તેના મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી બાદ તેઓ નશાની હાલતમાં બેદરકારીથી કાર ચલાવવા લાગ્યા હતા. આ સમયે બાઇક ચલાવી રહેલા પ્રસન્ના કુમારને પાછળથી ટક્કર મારી હતી. જેથી તે 100 મીટર સુધી ઢસડાયો હતો. જો કે, આરોપીએ કાર ન રોકી અને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોએ આરોપીને પકડ્યો : આ જોઈ અન્ય લોકોએ કારનો એક કિમી સુધી પીછો કર્યો હતો. ત્યાં સુધીમાં કારમાં બેઠેલી ત્રણ યુવતીઓ અને એક યુવક કારમાંથી નીચે ઉતરીને નાસી છૂટ્યા હતા. સ્થાનિક લોકોએ કારના કાચ તોડી નાખ્યા હતા. ડ્રાઇવર વિનાયકને માર માર્યો હતો. ત્યારબાદ આરોપીને બટારાયણપુર ટ્રાફિક પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
પોલીસે તપાસ શરુ કરી : તપાસ દરમિયાન ડ્રાઈવરે દારૂ પીધો હોવાનું જાણવા મળ્યું હતું. બટરાયણપુર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે બટરાયણપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.