અમરાવતીઃ આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે કૌશલ વિકાસ નિગમ કૌભાંડ મામલે ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને જામીન આપ્યા છે. ન્યાયાધીશ ટી. મલ્લિકાર્જુન રાવે ચંદ્રબાબુને જામીન આપતો ચુકાદો આપ્યો છે. જો કે ચંદ્રબાબુને આ મહિનાની 30 તારીખે એસીબી કોર્ટમાં હાજર થવાનું છે.
આ અગાઉ ત્રણ નવેમ્બરે આંધ્ર પ્રદેશનના હાઈ કોર્ટે પૂર્વ મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુને આપવામાં આવેલ વચગાળાના જામીન પર શરતો લગાડવાનો ઈનકાર કરી દીધો હતો. 31મી ઓક્ટોબરે હાઈ કોર્ટે આરોગ્યને આધારે નાયડુને ચાર અઠવાડિયાને વચગાળાના જામીન આપ્યા હતા, અને એ જ દિવસે તેઓ રાજમુંદરી જેલમાંથી બહાર આવી ગયા હતા. આ જેલમાં તેઓ 52 દિવસો સુધી જેલવાસ કાપવો પડ્યો હતો. જામીન આપતી વખતે કોર્ટે કેટલીક શરતો લગાવી હતી ત્યારબાદ સીઆઈડીને વધુ શરતો લગાડવા માટે અરજી કરી હતી. આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના ન્યાયાધીશ ટી. મલ્લિકાર્જુન રાવે ચંદ્રબાબુને જામીન આપ્યા છે.
સીઆઈડીના વકીલ અને એડિશનલ એડવોકેટ પોન્નાવોલુ સુધાકરે અદાલતને જણાવ્યું કે નાયડુ એ અગાઉની જામીન પર હાઈ કોર્ટ દ્વારા લગાડેલ શરતોનું ઉલ્લંઘન કરવાનું શરુ કર્યુ હતું. તેમણે અદાલતને જણાવ્યું કે નાયડુએ રાજમુંદરી સેન્ટ્રલ જેલથી સડક માર્ગે વૃંદાવલ્લી સ્થિત પોતાના ઘરે જતી વખતે એક પોલિટિકલ રેલી કરી અને પોતે જેલમાંથી મુક્ત થયા બાદ જેલની બહાર મીડિયાને સંબોધન કર્યુ હતું. આ આરોપો લગાડવા ઉપરાંત પેન ડ્રાઈવમાં કોર્ટમાં પૂરાવા પણ રજૂ કર્યા હતા. પોલિટિકલ રેલી અને મીડિયા સંબોધનની મનાઈ કરતી શરત પર ચંદ્રબાબુને વચગાળાના જામીન અપાયા હતા.