અમદાવાદ/પટના: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે ગુનાહિત માનહાનિ કેસમાં આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. હકીકતો તપાસ્યા પછી, કોર્ટ આ કેસમાં આગામી સમય આપી દીધો છે. આ કેસમાં 20 મે ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. પછી ખ્યાલ આવશે કે, શું તેજસ્વીને રાહત મળે છે કે, કાયદાકીય મુશ્કેલીઓ વધે છે. જો મામલો માનહાનિનો બને છે તો બિહારના નાયબ મુખ્યમંત્રીને પણ સમન્સ જારી કરવામાં આવી શકે છે. તેના પર ગુજરાતીઓને ગુંડા કહેવાનો આરોપ છે. છેલ્લી સુનાવણી 1 મેના રોજ થઈ હતી.
આ સમગ્ર ગુજરાતીઓનું અપમાન છે: મહત્વનું છે કે ફરિયાદી હરેશ મહેતા દ્વારા 21 એપ્રિલે મેટ્રો કોર્ટમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનીનો કેસ નોંધવામાં આવ્યો હતો. 1 મેના રોજ સુનાવણી માટેની તારીખ આપવામાં આવી હતી. ગત સુનાવણી બાદ અરજદારના વકીલ પીઆર પટેલે જણાવ્યું હતું કે, અમારા તરફથી કોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે, વેરિફિકેશનના આધારે અને મળેલા પુરાવાના આધારે 202ના આધારે ઇન્કવાયરી તેમજ 204 મુજબ કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે અમારી બાબતને ગ્રાહ્ય રાખી છે. ફરિયાદી હરેશ મહેતાએ, જણાવ્યું હતું કે, આ સમગ્ર ગુજરાતીઓનું અપમાન છે. જો આવી રીતે જ બધા લોકો ગુજરાતીઓના અપમાનજનક શબ્દ પ્રયોગ કરશે તો વિશ્વ ફલક ઉપર પણ ગુજરાતીઓની આવી જ છાપ પડશે તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેજસ્વી સામે ફોજદારી માનહાનિનો કેસ: ઉદ્યોગપતિ હરેશ મહેતાએ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં તેજસ્વી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. 21 માર્ચે આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટમાં ફરિયાદીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટ રૂમમાં સર્ટિફિકેટ તેમજ પેન ડ્રાઈવ સહિતના પુરાવા પણ રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે સુનાવણી માટે 1 મેની તારીખ નક્કી કરી હતી. બાદમાં 8મી મેના રોજ આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી હતી.
તેજસ્વી પર શું છે આરોપ?: વાસ્તવમાં, તેજસ્વી યાદવ પર આરોપ છે કે બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પટનામાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ગુજરાતીઓને ગુંડા કહ્યા હતા. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, 'હાલની સ્થિતિ પર નજર કરીએ તો માત્ર ગુજરાતીઓ જ ગુંડા છે અને તેઓને પણ માફ કરવામાં આવ્યા છે.' બેંકોમાંથી પૈસા લઈને ભાગી ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની રેડ નોટિસમાંથી હટાવી દેવામાં આવ્યું ત્યારે તેણે આ વાત કહી હતી. જોકે, બાદમાં તેજસ્વીએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે તેણે તમામ ગુજરાતીઓને ઠગ નથી કહ્યા.