- પત્ની સાથે કરેલા બળજબરીનો સંબંધ દુષ્કર્મ નથી : કોર્ટ
- છત્તીસગઢ હાઇકોર્ટે આપ્યો ઐતિહાસિક નિર્ણય
- સુનાવણી સમયે વકીલે સુપ્રીમ કોર્ટ સહિત અનેક ચુકાદા ટાંક્યા
બિલાસપુર: છત્તીસગઢ હાઇકોર્ટે પતિએ પત્ની સાથે કરેલા બળજબરીના સંબંધને દુષ્કર્મ ગણ્યો નથી. આ ઐતિહાસિક નિર્ણયમાં હાઈકોર્ટે પતિને વૈવાહિક દુષ્કર્મના આરોપમાંથી મુક્ત કર્યો છે. પીડિત પતિના વકીલના જણાવ્યા અનુસાર, હવે આ આદેશ બાદ કોઈ પણ પતિ સામે આ પ્રકારનો ગુનો નોંધવામાં આવશે નહીં. આ હુકમ ઐતિહાસિક તેમજ ન્યાયિક સાબિત થશે.
પત્નીએ પતિ સામે કર્યો હતો કેસ
આ મામલો છત્તીસગઢના બેમેતારા જિલ્લાનો છે, જ્યાં એક પત્નીએ તેના પતિ સામે બળજબરીથી સબંધ માણવા સામે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. આ અંગે નીચલી કોર્ટમાં ચલણ રજૂ કરવામાં આવ્યું હતું, નીચલી કોર્ટે પતિને આ કૃત્ય માટે આરોપી ગણાવ્યો હતો. તેની સામે, વ્યથિત પતિએ તેના વકીલ વાયસી શર્મા મારફતે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં વકીલે સુપ્રીમ કોર્ટ સહિત અનેક ચુકાદા ટાંક્યા હતા. આ મામલાની સુનાવણી જસ્ટિસ એન કે ચંદ્રવંશીની સિંગલ બેન્ચમાં કરવામાં આવી હતી.
કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો
જસ્ટિસ એન કે ચંદ્રવંશીએ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય આપતી વખતે તમામ દલીલો અને ચુકાદા જોયા બાદ અરજદાર પીડિત પતિને વૈવાહિક દુષ્કર્મના આરોપમાંથી મુક્ત કરી દીધો છે. વળી, પત્નીએ કરેલા જબરદસ્તી સંબંધોના આરોપને દુષ્કર્મની શ્રેણીમાં ગણવામાં આવ્યો નથી.