ETV ભારત સુખીભવની ટીમે સિનિયર સાઇકિયાટ્રિસ્ટ ડો. વીણા ક્રિષ્નન સાથે વાત કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે, કાયમી કે લાંબા ગાળાના સબંધ સિવાય, (અન્ય પ્રકારના જાતીય સબંધોમાં) લોકો વચ્ચે કોઇ સાંવેદનિક જોડાણ હોતું નથી. અમેરિકન સોશિયોલોજિકલ રિવ્યૂમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, કાયમી કે લાંબા ગાળાના સબંધો ધરાવનારા લોકો, તેમાંયે ખાસ કરીને મહિલાઓ જાતીય સબંધ દરમિયાન વધુ સંતુષ્ટિ, આનંદ અને રોમાંચકતાનો અનુભવ કરતી હોય છે, કારણ કે, આવા સબંધમાં તેઓ સાંવેદનિક રીતે વધુ જોડાણ અને સલામતીની ભાવનાનો અનુભવ કરે છે.
આ વિષય અંગે સામાજિક અને અંગત સંબંધો પર 2015માં પ્રકાશિત થયેલા એક રિસર્ચ પેપરમાં જણાવ્યા પ્રમાણે, મહિલાઓ ટૂંકા ગાળાના સબંધો અથવા તો છૂટક જાતીય સબંધની તુલનામાં કાયમી સબંધોમાં જાતીય સમાગમ દરમિયાન વધુ પ્રમાણમાં ચરમસીમાનો અનુભવ કરતી હોય છે. જોકે, બીજી તરફ, સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો સંવેદના કે લાગણી કરતાં ઘનિષ્ઠતા અને ક્ષણિક આનંદને વધુ પ્રાધાન્ય આપતા હોય છે, આથી જ, તેઓ હૂક-અપ (ટૂંકા ગાળાના સબંધો) અને છૂટક જાતીય સબંધને પસંદ કરે છે.
બહેતર જાતીય સબંધો માટે સાંવેદનિક ઘનિષ્ઠતા હોવી જરૂરી
"ઇન્ટિગ્રેટિવ સેક્સ્યુઅલ હેલ્થ" પુસ્તકના સહ-લેખક ડો. બાર્ટલિકે પુસ્તકમાં જણાવ્યું છે કે, ટીવી અને ફિલ્મોમાં દર્શાવવામાં આવતા ગાઢ સબંધો વાસ્તવિક જીવન કરતાં ઘણાં જુદા હોય છે. કોઇ અજાણી વ્યક્તિને પહેલી વખત મળવું અને અગાઉ કોઇપણ પ્રકારની વાતચીત કર્યા વિના પૂરા આનંદ અને સંતોષ સાથે તેની સાથે જાતીય સુખ માણવું એ નરી કલ્પના છે. ફિલ્મો કરતાં તદ્દન અલગ, વાસ્તવિક જીવનમાં ઉચિત અને આનંદદાયક જાતીય સબંધ બાંધવા માટે બે વ્યક્તિ વચ્ચે ઘનિષ્ઠતા અને વિશ્વાસ હોય, તે જરૂરી છે. આમ થાય, ત્યારે જ તેઓ કોઇપણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના એકબીજાને તેમની પસંદ, નાપસંદ કે કલ્પનાઓ વિશે મુક્તપણે જણાવી શકે છે.
બાર્ટલિકના મત અનુસાર, જાતીય સબંધોની બાબતમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે વિચારસરણી અને જરૂરિયાતોની બાબતમાં ઘણી ભિન્નતા પ્રવર્તે છે. મહિલાઓની વાત કરીએ, તો તેઓ લાગણીઓ અને પ્રેમથી ઉત્તેજિત થાય છે, તો બીજી તરફ પુરુષો માટે જાતીય સબંધ એ સાંવેદનિક ઘનિષ્ઠતાનું કારણ છે. પણ, વિચારોની આ વિભિન્નતા તેમના સબંધો પર વિપરિત અસર ન ઉપજાવે, તે માટે બંને પાર્ટનર એકમેકની ઇચ્છાઓનો આદર કરે અને સંવાદિતા જાળવવા માટે સાથે મળીને પ્રયાસ કરે તથા સબંધોને વધુ આનંદપ્રદ બનાવે, તે અગત્યનું છે.
જોકે, આ ઉપરાંત, 2014ના વર્ષમાં પ્રકાશિત ‘ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ હેલ્થ સાઇકોલોજી’માં આ મુદ્દા પર કરવામાં આવેલા વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું હતું કે, જો પાર્ટનર વચ્ચે વિશ્વાસ અને સાંવેદનિક જોડાણ પ્રવર્તતા હોય, તો સ્ત્રી અને પુરુષ, બંને એકમેકની જાતીય ઇચ્છાઓ સંતોષવાનો પ્રયત્ન કરે છે અને તેમની ફેન્ટસી (કલ્પના)માં એકમેકને સાથ આપે છે. આ પરથી જાણી શકાય છે કે, પાર્ટનર વચ્ચેનો સબંધ કોઇ પ્રકારના દબાણ, સંકોચ કે ખચકાટ વગરનો હોય, તો તેમની વચ્ચેનો જાતીય સબંધ વધુ આનંદસભર બની રહે છે.
જાતીય સંબંધમાં આનંદની તીવ્રતા કેવી રીતે વધારી શકાય?
વુમન સેક્સ્યુઅલ હેલ્થ કેનેડા રિસર્ચનાં ચેરપર્સન અને વાનકુંવર સ્થિત યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા ખાતેની વુમન્સ હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લૌરી એ. બ્રોટોએ તેમના સંશોધનમાં સમજાવ્યું છે કે, જે મહિલાઓએ જાગૃતતાની તાલીમની મદદથી જાતીય સમાગમ દરમિયાન તેમના મૂડને નિયંત્રિત કરવાનું શીખી લીધું હતું, તેઓ તણાવ તથા હતાશાના કારણે ઉદ્ભવતી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે સક્ષમ હતી અને તેમના જાતીય સબંધમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
ઘણાં લોકો, ખાસ કરીને મહિલાઓ સામાન્યપણે સબંધોમાં તેમની લાગણીઓ વિશે અને જાતીય ઇચ્છાઓ વિશે કે ચોક્કસ પ્રકારની માનસિક સમસ્યાઓ વિશે મુક્તપણે વાત કરતાં ખચકાતી હોય છે, જેના કારણે જાતીય સબંધ દરમિયાન તેઓ તેના પર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરી શકતી નથી. પરિણામે જાતીય ઇચ્છામાં ઘટાડો થાય છે. આથી, જાતીય સબંધ બાંધતી વખતે દિમાગમાં અન્ય બાબતો વિચારવાને બદલે વ્યક્તિએ વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ અને સુખદ સમાગમ માટે જાતીય પ્રવૃત્તિઓમાં તમારા પાર્ટનરને સંપૂર્ણપણે સહયોગ આપવાની કોશીશ કરવી જોઇએ.
ન્યૂપોર્ટ બિચમાં સધર્ન કેલિફોર્નિયા સેન્ટર ફોર સેક્સ્યુઅલ હેલ્થના MD ડો. માઇકલ બિચના જણાવ્યા અનુસાર, પાર્ટનર્સ તેમના સબંધના હિત માટે તેમની લાગણીઓ, ઇચ્છાઓ અને શારીરિક જરૂરિયાતોને સમજે અને તે પ્રત્યે પ્રામાણિક રહે, તે જરૂરી છે.
કેટલીક વખત શારીરિક સબંધ દરમિયાન લોકો વધુ ચિંતિત થઇ જાય છે, સજાગ થઇ જાય છે અને તેમના શરીર, તેમના વજન, તેમના શારીરિક દેખાવ અને લિંગના કદ બાબતે લઘુતાગ્રંથિ અનુભવે છે, જેની બે વ્યક્તિ વચ્ચેના સબંધ પર ઘણી વિપરિત અસર પડે છે. આ અંગે ડો. માઇકલ ક્રિચમેન સમજાવે છે કે, જો મહિલાઓ કે પુરુષો સબંધ બાંધવા દરમિયાન તેમના મનમાં આવા નકારાત્મક વિચારો લાવે, તો તેમનું જાતીય જીવન તેના કારણે પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, નકારાત્મક વિચારો લાવવાના બદલે વ્યક્તિએ તેમના પાર્ટનરના સ્પર્શ અને રોમાંચકતાનો અનુભવ કરવો જોઇએ.
મિસિસોગા સ્થિત યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકોલોજીમાં કામ કરતાં ડો. એન્ના એમ. લોમાનોવ્સ્કા જણાવે છે કે, તમારા પાર્ટનર તમારાથી દૂર હોય, ત્યારે પણ તેમના સંપર્કમાં રહેવું જરૂરી છે, જેથી બંને વ્યક્તિઓ પરસ્પરથી અળગા હોવાની લાગણી ન અનુભવે. આમ કરવાથી સબંધ વધુ ગાઢ બને છે તથા બે વ્યક્તિ વચ્ચેની પરસ્પર સમજ અને પ્રેમમાં વધારો થાય છે. પાર્ટનર્સ ટેક્સ્ટ મેસેજની મદદથી, વિડિયો કોલ, ફોટો ચેટ વગેરેની મદદથી ઇન્ટરનેટ દ્વારા એકમેકના સંપર્કમાં રહી શકે છે.
આમ, પરસ્પર સમજૂતી, એકમેકની જાતીય ઇચ્છાઓ અને કલ્પનાઓ સંતોષવામાં મદદ પૂરી પાડવી અને કોઇપણ પ્રકારના ખચકાટ વિના એકમેક સાથે વાતચીત કરવી એ પાર્ટનર્સ વચ્ચેના સુખી, તંદુરસ્ત અને આનંદપ્રદ જાતીય સબંધની ચાવી ગણી શકાય.