- ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતની જીભ લપસી
- સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને આપ્યું નિવેદન
- નિવેદનને લઈને કરી રહ્યા છે ટીકાઓનો સામનો
પણજી : ગોવાની રાજધાનીથી અંદાજે 30 કિલોમીટર દૂર બેનોલિમ બીચ પર ગત રવિવારે 4 લોકોએ પોલીસ તરીકે ઓળખ આપીને 2 સગીરાઓ પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારબાદ તેમને માર પણ માર્યો હતો. આ ઘટનાને લઈને ગોવાના મુખ્યપ્રધાને નિવેદન આપ્યું હતું કે, માતાપિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે, તેમના બાળકો આટલી રાત્રે બીચ પર શા માટે હતા. પ્રમોદ સાવંતના આ નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો છે.
જાણો પ્રમોદ સાવંતે વિધાનસભામાં શું કહ્યું ?
પ્રમોદ સાવંતે વિધાનસભામાં કહ્યું હતું કે,"આપણે સીધી રીતે પોલીસને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ હું એમ કહેવા માંગુ છું કે, એક પાર્ટી માટે બીચ પર ગયેલા 10 લોકો પૈકી 4 લોકો આખી રાત ત્યાં રોકાય છે અને બાકીના 6 લોકો ઘરે જતા રહે છે. 2 છોકરાઓ અને 2 છોકરીઓ આખી રાત ત્યાં જ રોકાયા હતા."
વિધાનસભામાં પ્રમોદ સાવંતનો વિરોધ
ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન તરીકે તેમણે આપેલું આ નિવેદન શર્મનાક છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "નાગરિકોની સુરક્ષા પોલીસ તથા રાજ્ય સરકારની છે. જો તેઓ સુરક્ષા ન આપી શક્તા હોય તો તેમને મુખ્યપ્રધાન પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી." આ સિવાય અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રોહન ખોંટેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે,"આ હેરાન કરવા વાળી વાત છે કે, ગોવાના મુખ્યપ્રધાન બાળકોને બહાર જવા દેવા માટે માતા-પિતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. જો રાજ્ય સરકાર અમારી સુરક્ષાનું આશ્વાસન ન આપી શકતી હોય તો કોણ આપશે?"