નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) દેશભરની 576 ભાષાઓ અને બોલીઓનો માતૃભાષા સર્વે સફળતાપૂર્વક પૂર્ણ (Government Completes Mother Tongue Survey Of 576) કર્યો છે. ગૃહ મંત્રાલયના 2021-22ના વાર્ષિક અહેવાલ મુજબ દરેક સ્વદેશી માતૃભાષાના સાચા સ્વરૂપને સાચવવા અને તેનું વિશ્લેષણ કરવા માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ખાતે 'વેબ' આર્કાઇવ સ્થાપિત કરવાની યોજના છે.
લેંગ્વેજ સર્વે ઓફ ઈન્ડિયા : રિપોર્ટ અનુસાર આ માટે સ્વદેશી ભાષાઓથી સંબંધિત માહિતીને ગોઠવવાનું કામ ચાલી રહ્યું છે. "ભારતની માતૃભાષા સર્વેક્ષણ (MTSI) પ્રોજેક્ટ 576 માતૃભાષાઓની 'ફીલ્ડ વીડિયોગ્રાફી' સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે," અહેવાલમાં જણાવાયું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર લેંગ્વેજ સર્વે ઓફ ઈન્ડિયાએ (Language Survey of India) નિયમિત સંશોધન પ્રવૃત્તિ છે.
માતૃભાષાઓના સ્પીચ ડેટા : આ પ્રોજેક્ટ હેઠળ અગાઉના પ્રકાશનોને ચાલુ રાખીને LSI ઝારખંડનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે અને LSI હિમાચલ પ્રદેશનું કાર્ય પૂર્ણતાને આરે છે. LSI તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનું ફિલ્ડ વર્ક પ્રગતિમાં છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, માતૃભાષાઓના 'સ્પીચ ડેટા' એકત્ર કરવાના હેતુથી વીડિયો 'NIC સર્વર્સ' પર શેર કરવામાં આવશે.
2011ની વસ્તી ગણતરી : ગૃહ મંત્રાલયે કહ્યું કે, આગામી વસ્તી ગણતરીમાં અદ્યતન જીઓસ્પેશિયલ ટેક્નોલોજી સહિત ઘણી નવી પહેલ કરવામાં આવી છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે વસ્તી ગણતરીનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. દેશમાં 2011ની વસ્તી ગણતરીથી લઈને 31મી ડિસેમ્બર 2019 સુધીના અધિકારક્ષેત્રના ફેરફારોને જિયો-રેફરન્સ્ડ 'ડેટાબેઝ'માં અપડેટ કરવામાં આવ્યા છે અને તેને વધુ અપડેટ કરવામાં આવી રહ્યા છે.