અમદાવાદ: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ દલાલ સ્ટ્રીટ પર શેરોના મૂલ્યમાં ચાલી રહેલા પતનને કારણે લગભગ અડધી અંગત સંપત્તિ ગુમાવી દીધી છે. હાલમાં, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, સખત દબાયેલા ઉદ્યોગપતિની કુલ સંપત્તિ $61.3 બિલિયન છે. ફોર્બ્સના રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, અદાણીની વર્તમાન સંપત્તિ $55.8 બિલિયન છે.
હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ ભારે નુકસાન: 25 જાન્યુઆરીએ હિન્ડનબર્ગ રિસર્ચનો અહેવાલ આવ્યો તે અગાઉ અદાણી પાસે 120 અબજ ડોલરની સંપત્તિ હતી, પરંતુ તેમના ગ્રૂપ સામે ગંભીર આક્ષેપો થયા પછી ગૌતમ અદાણીનું સામ્રાજ્ય હચમચી ગયું છે. અદાણીએ છેલ્લા 24 કલાકમાં નેટવર્થમાં 23 ટકાનો કડાકો નોંધાવ્યો છે. હિન્ડનબર્ગ રિસર્ચએ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે ગૌતમ અદાણીના શેરોની વેલ્યૂ વાસ્તવિકતા કરતા 85 ટકા વધારે છે. આ અહેવાલની એવી જોરદાર અસર પડી છે કે અત્યાર સુધીમાં અદાણી જૂથની માર્કેટ કેપિટલ 110 અબજ ડોલર કરતા વધારે ઘટી ગઈ છે. સ્ટોક્સના ભાવોમાં પણ 50થી 60 ટકા જેટલો ઘટાડો થયો છે.
શેરના ભાવમાં ભારે કડાકો: અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જી પોતપોતાની ટોચથી 70-75 ટકા નીચે છે. જ્યારે અન્ય અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર અને અદાણી વિલ્મર તેમના મૂલ્યના 50-60 ટકા ઘટ્યા છે. ACC, અંબુજા સિમેન્ટ્સ અને NDTV સહિત તેના નવીનતમ એક્વિઝિશનને પણ ભારે ફટકો પડ્યો છે.
રોકાણકારોને ખોટમાંથી બચાવવા NSEનો મોટો નિર્ણય: અદાણી ગ્રુપ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ગુરુવારે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM)માં મૂકવાનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપની આ 3 કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો Parliament Budget Session: વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભા સ્થગિત
ટોપ -10માં ધનિકો: વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં બર્નાર્ડ આર્નોલ્ટ પરિવાર હજુ પણ 217 અબજ ડોલરની સંપત્તિ સાથે પહેલા સ્થાને છે. બીજા ક્રમે ટ્વિટરના ઈલોન મસ્ક અને ત્રીજા સ્થાને એમેઝોનના જેફ બેઝોસ છે. ઓરેકલના લેરી એલિસન ચોથા ક્રમે, વોરેન બફેટ પાંચમા ક્રમે અને બિલ ગેટ્સ છઠ્ઠા ક્રમે છે. ટોપ ટેનમાં હવે કોઈ ભારતીય નથી.