પટના: કોરોનાગ્રસ્ત દર્દીઓમાં બ્લેક ફંગસ (Black Fungus) એટલે કે મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) નો ભય રહેલો છે. આ વચ્ચે વ્હાઈટ ફંગસ (White Fungus) નામનો નવો એક રોગે દેખા દીધા છે. પટનામાં વ્હાઈટ ફંગસના 4 દર્દીઓ મળી આવ્યા હોવાની પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH) ના માઈક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડૉ. સત્યેન્દ્ર નારાયણ સિંહે પુષ્ટી કરી છે.
" મારી પાસે 4 એવા દર્દીઓ આવ્યા છે, જેઓ વ્હાઈટ ફંગસના શિકાર બન્યા છે. તેમને કોરોનાના લક્ષણો હતા. જેના કારણે તેમના રેપિડ એન્ટિજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જોકે, તેમના ફેફસા સંક્રમિત હતા. તપાસ બાદ જ્યારે તેમને એન્ટીફંગલ દવાઓ આપવામાં આવી ત્યારે તેઓ ઠીક થઈ ગયા હતા. " - ડૉ. સત્યેન્દ્ર નારાયણ સિંહ, અધ્યક્ષ, માઈક્રોબાયોલોજી વિભાગ, PMCH
તબીબ પણ બન્યા વ્હાઈટ ફંગસનો શિકાર
માઈક્રોબાયોલોજીસ્ટ ડૉ. એસ. એન. સિંહના જણાવ્યા પ્રમાણે, 4 દર્દીઓમાં એક તબીબનો પણ સમાવેશ થાય છે. તેમને કોરોનાના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વ્હાઈટ ફંગસના ઈન્ફેક્શનના કારણે તેમને એન્ટિ ફંગલ દવાઓ આપવામાં આવી હતી. જ્યાર બાદ તેમનું ઓક્સિજન લેવલ વધીને 95 પર પહોંચી ગયું હતું.
શું કહે છે મેડિકલ એક્સપર્ટ?
વ્હાઈટ ફંગસ રોગ અંગે ETV Bharat દ્વારા મેડિકલ એક્સપર્ટ ડૉ. દિવાકર તેજસ્વી સાથે વાત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ જેટલી ઘાતકી નથી. આ કોઈ બિમારી નથી. વ્હાઈટ ફંગસના કિસ્સામાં દર્દીને એન્ટિફંગલ દવાઓ આપવાથી તાત્કાલિક અસર થવાની શરૂ થઈ જાય છે અને દર્દી જલદી સ્વસ્થ થઈ જાય છે.
" વ્હાઈટ ફંગસ શરીરના ઘણા અંગોને પ્રભાવિત કરે છે. આ અગાઉ HIVના દર્દીઓમાં વ્હાઈટ ફંગસની સમસ્યા જોવા મળી હતી. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ ફંગસ સંક્રમિત કરી શકે છે. " - ડૉ. દિવાકર તેજસ્વી, મેડિકલ એક્સપર્ટ
ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો સાવધાન
વ્હાઈટ ફંગસ ફેફસાં સિવાય ચામડી, નખ, મોઢાની અંદરના ભાગમાં, આંતરડા, કિડની તેમજ મગજને પણ સંક્રમિત કરી શકે છે. એક્સપર્ટની વાતો પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે, વ્હાઈટ ફંગસ પણ બ્લેક ફંગસની જેમ કોઈ જૂની બિમારી નથી. સામાન્ય રીતે જે દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે, તે લોકો આ ફંગસની ચપેટમાં સરળતાથી આવી શકે છે. જોકે, સામાન્ય એન્ટી ફંગલ દવાઓથી વ્હાઈટ ફંગસનો ઉપચાર થઈ શકે છે.
બચવા માટે શું કરી શકાય?
જે દર્દીઓ ઓક્સિજન અથવા તો વેન્ટિલેટર પર છે. તેમને ઓક્સિજન આપવા માટે વપરાતું યંત્ર તેમજ વેન્ટિલેટરની ટ્યુબ સહિતના ભાગો જીવાણુ મુક્ત હોવા જોઈએ. ઓક્સિજન સિલિન્ડરના હ્યુમિડિફાયરમાં સ્ટ્રેલાઈઝ્ડ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જે ઓક્સિજન દર્દીના ફેફસામાં પહોંચાડવામાં આવે, તે સંપૂર્ણ રીતે ફંગસમુક્ત હોવો જોઈએ. જે દર્દીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય, તેમ છતાં પણ કોરોનાના લક્ષણો હોય તો તેમણે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જોઈએ.