તુર્કી: બે કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જોયો હતો. જેમાં મૃત પામેલા 4 ગુજરાતીઓ હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે તુર્કી ગયા હતા. મૃતકોમાં બે સ્ટુડન્ટ પોરબંદરના, એક યુવતી બનાસકાંઠાની અને એક યુવતી વડોદરાની હોવાનું સામે આવ્યું છે.
બે કાર સામસામે અથડાતાં અકસ્માત: ચાર વિદ્યાર્થીઓ તુર્કી ખાતે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે ગયા હતા. તેઓ અહીં રહીને જ અભ્યાસ કરતા હતા. ચારેય ગુજરાતી વિદ્યાર્થીઓ રજા હોવાથી ફરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન બે કાર સામ સામે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો ખુડદો બોલી ગયો હતો. ચારેય વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બની ગયા હતા.
4 ગુજરાતીઓના મોત: બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ચારેય મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતકોના નામ અંજલી મકવાણા, પ્રતાપ કારાવદરા, જયેશ અગાથ અને હીના પાઠક છે. તુર્કીના કિરેનીયા નજીક તેમની કારને આ ભયંકર અકસ્માત નડ્યો હતો. હોટલ મેનેજમેન્ટના અભ્યાસ અર્થે ભાગરોડિયા ગામની યુવતી અંજલી મકવાણા એક વર્ષ અગાઉ તુર્કી ગઈ હતી. વર્ક પરમિટ પર હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી અને પાર્ટ ટાઈમ જોબ કરતી હતી.
પરિવારમાં શોકનો માહોલ: આ ઘટના બાદ તેમના પરિવારમાં ભારે શોક છવાયો છે અને સમગ્ર વિસ્તારમાં પણ માતમ છવાયો છે. એક સાથે ચારેય વિદ્યાર્થીઓનાં મોત થતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. ત્યારે આ વિદ્યાર્થીઓને જલ્દીથી ભારત લાવવામાં આવે એવી માગ કરવામાં આવી છે.