શ્રીનગરઃ શહીદ ડીએસપી હુમાયુ ભટ્ટના પિતાએ મૃતક શહીદ પુત્રને જે રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે તે ખરેખર ખૂબજ પ્રેરણાદાયી છે. તેમણે રડ્યા વિના દુઃખ પ્રદર્શિત કર્યા વિના શહીદ પુત્રના ફોટા પર પુષ્પો અર્પણ કર્યા હતા. હુમાયુ ભટ્ટ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) તરીકે ફરજ બજાવતા હતા.
પિતા રિટાયર્ડ IGP: શહીદ હુમાયુ ભટ્ટના પિતા ગુલામ હસન ભટ્ટ રિટાયર્ડ આઈજીપી છે. તેમણે પોતાના શહીદ દીકરાને રડ્યા વિના મક્કમ મને અંતિમ વિદાય આપી હતી. ગુલામ હસનને તેમના શહીદ પુત્રની ત્રિરંગામાં લપેટાયેલા મૃતદેહ સુધી ADGP જાવેદ મુજતાબા ગિલાની લઈ ગયા હતા.
દિગ્ગજો કતારમાંઃ શહીદને અંતિમ વિદાય આપવામાં પિતા બાદ અનેક દિગ્ગજો શાંતિપૂર્વક એક કતારમાં ઊભા હતા. જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, ચીફ સેક્રેટરી અરૂણ મહેતા, ડીજીપી દિલબાગ સિંઘ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
2018ની બેચના ઓફિસરઃ JKPSના 2018ની બેચના ઓફિસર હુમાયુ ભટ્ટ અનંતનાગમાં શહીદ થયા છે. તેમની અંત્યેષ્ટી આજે યોજાઈ હતી. તેમણે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. તેમની પત્નીએ 26 દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો છે. કોઈપણ પરિવાર પર આ આઘાત વજ્રપાત સમાન છે.હુમાયુ ભટ્ટના પિતાએ પોતાના આંસુ અને દુઃખને છુપાવીને શહીદ પુત્રને શ્રદ્ધાંજલિ આપી છે. આ પિતાએ અનેક શહીદના પિતા માટે ઉદાહરણરૂપ અને પ્રેરણારૂપ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પોલીસ સોગંધનું માન રાખ્યુંઃ શહીદના પિતાએ પોતે અને પુત્ર દ્વારા પોલીસમાં જોડાતી વખતે જે સોગંધ લીધી હતી તેનું માન રાખ્યું છે. હુમાયુ ભટ્ટના પિતાની આ શ્રદ્ધાંજલિને દરેક પોલીસ એકેડમી, ટ્રેઈનિંગ સ્કૂલમાં ભવિષ્યમાં તૈયાર થતા પોલીસ જવાનોને જણાવવામાં આવશે. ગુલામ હસન ભટ્ટે પોતાના શહીદ પુત્રને જે રીતે વીરતાથી શ્રદ્ધાંજલિ પાઠવી છે તેનાથી તેઓ જીવંત દંતકથા સમાન બની ગયા છે. સમગ્ર પોલીસ ફોર્સ અત્યારે આ પિતા સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહી છે.
કુલ 3 જવાન શહીદઃ અનંતનાગ જિલ્લામાં આંતકવાદીઓને પકડવા માટે એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં પોલીસ, સેના અને સીઆરપીએફ સામેલ હતા. આ સર્ચ ઓપરેશનમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં હુમાયુ ભટ્ટ સિવાય 19 રાષ્ટ્રીય રાયફલ્સના કર્નલ મનપ્રીત સિંહ તેમજ મેજર આશિષ ધોંચક પણ શહીદ થયા હતા.