રાંચીઃ અત્યંત ચકચારી એવા ચારા કૌભાંડમાં સીબીઆઈની વિશેષ અદાલતે 35 આરોપીઓને સજા ફટકારી છે. આ સજામાં 4 વર્ષનો જેલવાસ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડનો પણ સમાવેશ થાય છે. રાંચીના તત્કાલીન પશુપાલન અધિકારી ગૌરી શંકર પ્રસાદને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ કરાયો છે. અન્ય આરોપીઓને ઉંમરના હિસાબે દંડ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી ઓછો દંડ 75 હજાર રૂપિયાનો છે.
27 વર્ષ બાદ ચુકાદોઃ 1996થી ચાલી રહેલા ચારા કૌભાંડના કેસમાં 27 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. આ કેસમાં 617 સાક્ષીઓ, 50,000થી વધુ પુરાવા અને દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. 28 ઓગસ્ટે 53 આરોપીઓને 3 વર્ષથી ઓછી સજા ફટકારવામાં આવી છે. જ્યારે 35 લોકોને 3 વર્ષથી વધુની સજા ફટકારવામાં આવી છે. આ આરોપીઓને નાણાંકીય દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એક આરોપી પર ચુકાદો આવવાનો બાકી છે કારણ કે તેણે હજુ સુધી સરન્ડર કર્યુ નથી.
કુલ 124 આરોપીઓ પર કેસઃ ચારા કૌભાંડમાં 27 વર્ષોથી કુલ 124 આરોપીઓ પર મુકદમો ચાલી રહ્યો હતો. જેમાંથી 53 આરોપીઓને 2થી 3 વર્ષ સુધીની સજા કરવામાં આવી છે. આ આરોપીઓ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવાના છે. સમગ્ર મામલો ડોરંડા કોષાગારમાંથી 36 કરોડ 59 લાખ રૂપિયાના ગબનનો છે. જેમાં બજેટ, લેખા પદાધિકારી અને પશુપાલન વિભાગના અધિકારી, વેટરનરી ડોક્ટર સહિત કુલ 124 આરોપીઓને એક સાથે સજા ફટકારવાાં આવી છે. સીબીઆઈની વિશેષ અદાલતે 88 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.