જોરહાટ : આસામના જોરહાટ જિલ્લાના મધ્યમાં સ્થિત એક માર્કેટમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ ભીષણ આગમાં ચોક બજારની 350 જેટલી દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તો ત્યાં, કેટલાક વેપારીઓનો આરોપ છે કે, આ આગને બદમાશોએ અંજામ આપ્યો છે.
આસામના જોરહાટ ટાઉનમાં લાગી આગ : ચોકબજારમાં ગુરુવારે રાત્રે લગભગ 9.30 કલાકે આગ ફાટી નીકળી હતી અને ઐતિહાસિક ચોકબજાર થોડી જ વારમાં રાખના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. આ ભીષણ આગમાં કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે. કેટલાક ઉદ્યોગપતિઓ રડતા જોવા મળ્યા કારણ કે, આ વ્યવસાય તેમની આવકનો સ્ત્રોત હતો.
આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી : એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, કારણ કે લગભગ તમામ દુકાનો બંધ હતી. દુકાનદારો અને કર્મચારીઓ પોતપોતાના ઘર તરફ રવાના થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગની દુકાનો કરિયાણા અને કપડાની હતી. જાણવા મળ્યા મુજબ માર્કેટમાં કેટલીક દુકાનોમાં ફટાકડાની દુકાનો હતી, જ્યારે આગ લાગી ત્યારે ફટાકડાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.
આ પણ વાંચો : Fire in Gujarat Rubber Factory: ગુજરાત રબર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કરોડોની સંપતિ બળીને ખાક
25 ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા : પોલીસે જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવવા માટે જોરહાટ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ 25 ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા હતા. લોકોનું કહેવું છે કે, જોરહાટના ઐતિહાસિક ચોક માર્કેટમાં લાગેલી આગએ યાદોને પળવારમાં નષ્ટ કરી દીધી. જોરહાટ શહેરના મધ્યમાં આવેલ ચોક બજારમાં ગુરુવારે મોડી સાંજે લાગેલી આગને મોટા પ્રમાણમાં કાબૂમાં લેવામાં આવી છે અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ હજુ પણ આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Fire in Patan: એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્કમાં આગ, કરોડોનું નુકસાન છતાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહીં
જોરહાટમાં બે મહિનામાં આ બીજી ઘટના છે : દુકાનોને નુકસાન થયું છે તેમાંથી મોટાભાગની દુકાનો કરિયાણાની વસ્તુઓ અને કપડાં વેચે છે. અધિકારીએ જણાવ્યું કે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન જોગેન મોહન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. જોરહાટમાં બે મહિનામાં આ બીજી ઘટના છે. ડિસેમ્બરમાં મારવાડી પટ્ટી વિસ્તારમાં અનેક દુકાનોમાં ભીષણ આગ લાગી હતી.