- દેશમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન લોન્ચ કરાઈ
- NMP આગામી 4 વર્ષમાં વેચવામાં આવેલી સંપતિઓની યાદી તૈયાર કરશે
- જૂની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપતિઓની 4 વર્ષની પાઈપલાઈન શામેલ
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે સોમવારે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP) લોન્ચ કરી હતી. આ પ્રસંગે નીતિ આયોગના CEO અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, અમે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનને સફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે "સરકારને લાગે છે કે વધુ સારી કામગીરી અને જાળવણી માટે ખાનગી ક્ષેત્રમાં લાવવું ખૂબ જ જરૂરી છે, તેથી અમે યોજનાઓના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છીએ."
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપતિઓની યાદી તૈયાર કરાશે
ઉલ્લેખનીય છે કે, નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન દ્વારા આગામી 4 વર્ષમાં વેચવામાં આવનાર સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપતિઓની યાદી તૈયાર કરવામાં આવશે. નીતિ આયોગે અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે, NMP માં કેન્દ્ર સરકારની જૂની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપતિઓની 4 વર્ષની પાઈપલાઈન શામેલ છે. રોકાણકારોને લાંબી દ્રષ્ટિ પૂરી પાડવા ઉપરાંત, NMP સરકારની સંપત્તિ મોનેટાઇઝેશન પહેલ માટે મધ્યમ ગાળાના માળખા તરીકે પણ કામ કરશે.
પાવર ગ્રીડ પાઇપલાઇન્સ સહિત 6 લાખ કરોડની માળખાકીય સંપત્તિ
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવ તુહીનકાંત પાંડેએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને પાવર ગ્રીડ પાઇપલાઇન્સ સહિત 6 લાખ કરોડની માળખાકીય સંપત્તિને અંતિમ રૂપ આપી રહી છે, જેનું મોનેટાઇઝેશન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આશરે 6,000 કરોડની નેશનલ મોનેટાઇઝેશન યોજના ચાલી રહી છે, જેમાં પાઇપલાઇનથી પાવર ગ્રીડ પાઇપલાઇન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગથી TOT (ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર) અને તેથી વધુની અનેક સંપત્તિઓ શામેલ કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2021-22 માં, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવીન અને વૈકલ્પિક ધિરાણ એકત્ર કરવાના સાધન તરીકે નેશનલ મોનેટાઇઝેશન પર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો.