- સોમવારથી દેશભરના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત
- ફાસ્ટેગ નહીં હોય તો ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે
- ઓનલાઈન-ઓફલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય છે
હૈદરાબાદ: દેશભરમાં સમગ્ર ટોલ પ્લાઝા પર રવિવારના રોજથી ફાસ્ટેગની શરૂઆત કરવામાં આવી છે. જેમની પાસે ફાસ્ટેગ નથી તેમને દંડ ભરવો પડશે.ફાસ્ટેગની શરૂઆત 2016માં થઈ હતી. આ ટોલ પ્લાઝામાં ઇલેક્ટ્રોનિક રીતે ફી ભરવાની સુવિધા છે. ફાસ્ટેગ ફરજિયાત કર્યા બાદ વાહનોને ટોલ પ્લાઝા પર અટકવું પડશે નહીં અને ટોલ ચાર્જ ઇલેક્ટ્રોનિક રૂપે ચૂકવી શકાશે.
શું છે ફાસ્ટેગ ?
ફાસ્ટેગ એક પ્રીપેડ ટેગ છે. ફાસ્ટેગ એવી વ્યવસ્થા છે, જેમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેક્નોલોજી ( RFID )નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ટોલ પેમેન્ટ સીધા તેની સાથે સંકળાયેલા પ્રિ-પેઈડ એકાઉન્ટમાંથી થાય છે. ફાસ્ટેગને તમારા વિન્ડસ્ક્રીન ઉપર ચોંટાડવામાં આવે છે. તેના કારણે તમારા ફાસ્ટેગ સ્ટીકરની ફ્રીકવન્સી ટોલપ્લાઝમાં લાગેલ સેન્સર સાથે મેચ થઈ જાય છે અને વાહન ચાલક ત્યાંથી સડસડાટ પસાર થઈ શકશે.
ફાસ્ટેગ લગાવવાથી શું ફાયદો થશે?
ચુકવણીમાં સરળતા- ટોલ ટ્રાન્ઝેક્શન માટે રોકડ રાખવાની જરૂર નથી, સમયની બચત થાય છે. તમારી કાર રોકાયા વિના ક્રોસ થઈ જશે. ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ થવા પર SMS દ્વારા ચેતવણી આપવામાં આવશે. ફાસ્ટેગ 5 વર્ષ માટે માન્ય રહેશે.
RFID શું છે ?
- તે વાયરલેસ કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ છે જે વિશિષ્ટ હેતુ માટે રચાયેલ રીડર ડિવાઇસ દ્વારા ટેગ અથવા લેબલમાં એન્કોડ કરેલા ડેટાને વાંચે છે.ટેગમાં એકીકૃત સર્કિટ અને એન્ટેના છે, જે વાયરલેસ કમ્યુનિકેશન પદ્ધતિ બનાવે છે. બે પ્રકારનાં ટેગ સક્રિય છે, જેમાં બેટરી પાવર સતત અને નિષ્ક્રિય હોય છે, જે ત્યારે જ સક્રિય બને છે જ્યારે કોઈ વાંચક ડેટા વાંચવા માગે છે.
- દરેક ટેગ અને કાર જોડતી GS1 અનન્ય ઓળખ નંબરો સાથે કાર્ય કરે છે, જે ફાસ્ટેગમાં એન્કોડ કરેલ હોય છે. આમ રાજ્ય અને કેન્દ્ર સરકાર ટ્રાફિક પોલીસ, વીમા કંપનીઓ અને ટોલ કલેક્શન અધિકારીઓ દ્વારા તૈનાત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમો દ્વારા સમજાયેલા દરેક વાહનને માનક અને સામાન્ય રીતે ઓળખવામાં આવે છે.
કયાથી ખરીદી શકાશે ફાસ્ટેગ ?
ફાસ્ટેગને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. કોઈપણ ઓથોરાઈઝ્ડ બેંક અથવા એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મથી ઓનલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય છે. તે ઉપરાંત 23 ઓથોરાઈઝ્ડ બેંક, રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસના પોઈન્ટ ઓફ સેલ પરથી ફાસ્ટેગ લઈ શકાય છે. NHAIના અનુસાર, સમગ્ર દેશમાં 30 હજાર પોઈન્ટ ઓફ સેલ (PoS) પર ફાસ્ટેગ ઉપલબ્ધ છે.
ફાસ્ટેગ ખરીદવા જોઈતા દસ્તાવેજ
ફાસ્ટેગ માટેની અરજીની સાથે
1. વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ( RC )
2. વાહનના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
3. વાહનના માલિકની કેટેગરી મુજબ કેવાયસી ( KYC ) ડોક્યુમેન્ટ
જેમાં એક ફોટો આઈડી અને સરનામાના પુરાવો અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો ગ્રાફ ફરજિયાત છે.
ડ્રાઈવીંગ લાયસન્સ અથવા પાનકાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ
ફાસ્ટેગ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું
ફાસ્ટેગને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ માટે NHAI દ્વારા ઓલ ઈન્ડિયા હેલ્પલાઈન નંબર 1033 ચલાવવામાં આવે છે. સામાન્ય રીતે NHAIના ફાસ્ટેગથી ફરિયાદોનું ઝડપથી નિરાકરણ આવે છે. જો કે, બેંકો દ્વારા જાહેર કરાયેલા ફાસ્ટેગ માટે ગ્રાહકોને બેંકના ગ્રાહક સંભાળ કેન્દ્રની મુલાકાત લેવી પડે છે અને અહીં ફરિયાદોના નિરાકરણ માટે વધુ સમય લાગે છે.
ફાસ્ટેગ વગર શું થશે?
જો તમે ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પર પહોંચી જાવ છો તો તમારે દંડ ભરવો પડશે. તે ટોલ ટેક્સનો બમણો હોઈ શકે છે. તે ઉપરાંત ડેમેજ ફાસ્ટેગ દ્વારા ટોલ પ્લાઝા પાર કરવા માટે પણ દંડ ભરવો પડી શકે છે.
ફાસ્ટેગને કેવી રીતે રિચાર્જ કરવું?
જે બેંકનું ફાસ્ટેગ છે, તેની વેબસાઈટ પર જઈને ઓનલાઈન રિચાર્જ કરી શકાય છે. તે ઉપરાંત UPI/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/NEFT/નેટ બેંકિંગ વગેરે દ્વારા રિચાર્જ કરી શકાય છે. જો ફાસ્ટેગ બેંક અકાઉન્ટ સાથે લિંક છે તો પૈસા સીધા અકાઉન્ટમાંથી કટ થઈ જાય છે. જો Paytm વોલેટ ફાસ્ટેગ સાથે લિંક હોય છે તો પૈસા સીધા વોલેટમાં ઉમેરી શકાય છે.
ફાસ્ટેગની કિંમત?
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગની કિંમત 100 રૂપિયા નક્કી કરી છે. તે ઉપરાંત 200 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડે છે. જો કે, બેંકોના દર અલગ અલગ હોઈ શકે છે. ઘણી બેંક તેમની ભાગીદારી વધારવા માટે સમયસર ફ્રી અથવા સામાન્ય કિંમતમાં ફાસ્ટેગ ઓફર કરે છે.