- છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું છે કૃષિ આંદોલન
- ગુરૂવારે બપોરે 12થી 4 વાગ્યા સુધી યોજાશે રેલ રોકો આંદોલન
- યાત્રીઓને તકલીફ ન પડે તેનું વિશેષ ધ્યાન રખાશે
નવી દિલ્હી: ગાઝીપુર બોર્ડર પર કિસાન આંદોલન સમિતિના પ્રવક્તા જગત્તરસિંહ બાજવાએ કહ્યું કે, તેઓ 18 ફેબ્રુઆરીએ બપોરે 12થી સાંજના 4 વાગ્યા દરમિયાન 'રેલ રોકો' કાર્યક્રમ યોજીને કેન્દ્રનાં કૃષિ કાયદાઓ વિરૂદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. તેમણે જણાવ્યું હતું કે, યાત્રીઓને અસુવિધા ન થાય તે માટે અમે રિફ્રેશમેન્ટ્સ પણ આપીશું.
વધુ વિલંબ વગર સરકારે ખેડૂતોની માંગ પૂરી કરવી જોઈએ
સંયુક્ત કિસાન મોરચા(SKM) દ્વારા દેશભરમાંથી કાર્યક્રમને ટેકો મળે તેવી અપેક્ષા રાખીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની હાકલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, "દરેકને અપીલ છે કે, 18 ફેબ્રુઆરીના રોજ બપોરે 12થી સાંજના 4 વાગ્યા સુધી રાષ્ટ્રવ્યાપી રેલ રોકો કાર્યક્રમમાં જોડાઈને શાંતિપૂર્ણ વિરોધ કરો." SKMએ માગ કરી છે કે, સરકારે વધુ વિલંબ કર્યા વિના તરત જ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.
ખેડૂતોની માગણીઓનો ઉકેલ લાવવાની જગ્યાએ ભાજપ તેને નાશ કરવાનો પ્રયાસ કરે છે: SKM
સંયુક્ત કિસાન મોરચાએ ભારતીય જનતા પાર્ટીના હરિયાણા, યુપી, પંજાબ અને રાજસ્થાનથી ચૂંટાયેલા નેતાઓ સહિત અમિત શાહ, નરેન્દ્રસિંહ જેવા અન્ય પ્રધાનોની ઉચ્ચ સ્તરીય બેઠકની નોંધ લીધી હતી અને SKMના દર્શન પાલે જણાવ્યું કે,"સ્પષ્ટ છે કે, ખેડૂતોની માગણીઓનો ઉકેલ લાવવાને બદલે ભાજપ તેને નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે. SKM શાસક પક્ષના આ વલણને વખોડે છે અને માગ કરે છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નોને વધુ વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે ઉકેલ લાવે. જો તેમ નહિ કરવામાં આવે તો SKM આ વિરોધને વધુ તીવ્ર બનાવશે અને તેના સમર્થનમાં વધુ ખેડૂતોને એકત્રીત કરશે." એમ તેમણે જણાવ્યું હતું.
વિરોધને લઈને રેલવે પોલીસ દ્વારા સઘન સુરક્ષા
SKM દ્વારા બુધવારે મુઝફ્ફરપુરમાં અખિલ ભારતીય ક્રિષક ખેત મજદુર સંગઠન દ્વારા આયોજિત શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર કથિત વિશ્વ હિન્દુ પરિષદ(VHP)નાં "ગુંડાઓ" દ્વારા કરવામાં આવેલા કથિત હુમલાની પણ નિંદા કરી હતી. વિરોધને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા દેશભરમાં રેલ્વે પ્રોટેક્શન સ્પેશ્યિલ ફોર્સની 20 કંપનીઓને તૈનાત કરી છે. જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.