- લદ્દાખનાં ઘર્ષણ મુદ્દે ચીન-ભારતની નવમી બેઠક યોજાઈ
- ભારતનું પ્રતિનિધિત્વ કોર કમાન્ડર લેફટનન્ટ જનરલ પીજીકે મેનને કર્યુ
- ભારતનો આગ્રહ: બંને દેશો એકસાથે પોતાનું સૈન્ય પાછુ ખેંચે.
નવી દિલ્હી: લગભગ અઢી મહિના બાદ રવિવારના રોજ ભારત અને ચીનમાં કોર કમાન્ડર સ્તરની નવમી બેઠક કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય પૂર્વ લદ્દાખનાં ઘર્ષણવાળા દરેક સ્થાનો પરથી સૈનિકોને હટાવવાની પ્રક્રિયાને આગળ વધારવાનો હતો. ભારત તરફથી ચીનને કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર મે મહિના પહેલા જેવી સ્થિતી હતી તેવી પરત કરે અથવા સીમા પરથી પાછા ફરે. એલએસી પર મે મહિના બાદ જ ઘર્ષણની સ્થિતી ઉભી થઈ હતી. બંને દેશોનાં 50-50 હજાર સૈનિકો પૂર્વ લદ્દાખ પર તેનાત છે.
સીમા ઉપરથી સૈન્ય હટાવવાની થઈ હતી ચર્ચા
સૂત્રોનાં કહેવા મુજબ, બંને દેશો વચ્ચેની બેઠક એલએસીમાં ચીન તરફ સ્થિત મોલ્દોમાં પોણા દસ વાગ્યે શરૂ થઈ હતી. આ પહેલા છ નવેમ્બરનાં રોજ થયેલી આંઠમી બેઠકમાં બંને દેશોએ ઘર્ષણનાં મુખ્ય સ્થાનો પરથી સૈન્ય હટાવવા બાબતે વિસ્તારથી ચર્ચા કરી હતી. બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ લેહની 14માં કોર કમાન્ડર લેફટનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યાં હતા.
સૈન્ય પાછુ ખેંચવાની સંપૂર્ણ જવાબદારી ચીનની
ભારતનાં મતે સૈન્યને પાછુ ખેંચવાની જવાબદારી ચીનની છે. 12 ઓક્ટોબરે થયેલી સાતમી બેઠકમાં ચીને પેગોંગ સરોવરનાં દક્ષિણ તટ અને આસપાસના અત્યંત ઉંચા વ્યુહાત્મક વિસ્તારોમાંથી ભારતીય સેના હટાવવાની વાત કરી હતી. પરંતુ ભારતનો આગ્રહ છે કે બંને દેશોની સેના એકસાથે પોતાનું સૈન્ય પાછુ ખેંચે.