રાજૌરી: શુક્રવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગમાં એક આતંકી માર્યો ગયો હતો. આતંકીની ઓળખ થઈ શકી નથી. આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ ફસાયેલા છે તે જાણી શકાયું નથી. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સ્થાનિક પોલીસે આ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.
બંને પક્ષો વચ્ચે અથડામણ: માહિતી અનુસાર, સુરક્ષા દળોને જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારના દસાલ જંગલમાં આતંકવાદીઓના ફસાયેલા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ માહિતીના આધારે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો જ્યારે આતંકીઓના ઠેકાણા તરફ આગળ વધ્યા ત્યારે અંદર ઘુસેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો. જેના કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.
પેટ્રોલિંગ વધારી દીધું: સુરક્ષા દળો એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે કે, આતંકવાદીઓ કોઈપણ કિંમતે આ વિસ્તારમાંથી ભાગી ન જાય. એન્કાઉન્ટરની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસે પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. કોઈપણને એન્કાઉન્ટર સ્થળ પર જવા પર રોક લગાવવામાં આવી છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં ગાઢ જંગલ હોવાના કારણે સુરક્ષા દળોને કાર્યવાહી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સહયોગીની સંપત્તિ જપ્ત: ગુરુવારે જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓના એક સહયોગીની સંપત્તિ જપ્ત કરી હતી. તપાસ એજન્સીએ અનંતનાગ જિલ્લાના દાનવથપોરા કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીના એક સહયોગીની નિર્માણાધીન ઇમારતને જપ્ત કરી છે. આ સંપત્તિનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો હતો. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નોંધાયેલા કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આતંકવાદીના સહયોગી દાનવથપોરા કોકરનાગના રહેવાસી મોહમ્મદ ઈશાક મલિકના નિર્માણાધીન રહેણાંક મકાનનો ઉપયોગ પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.